ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાન અને અમેરિકા વચ્ચે સંબંધોમાં ગરમી આવી હોવાના દાવા કરવામાં આવતા હતા. પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે વારંવાર અમેરિકા મુલાકાત લીધી, વ્હાઇટ હાઉસમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે લંચ પણ કર્યું. આ ઘટનાઓ બાદ ઇસ્લામાબાદ તરફથી એવો સંદેશ આપવામાં આવ્યો કે પાકિસ્તાન હવે વોશિંગ્ટનનો ખાસ અને વિશ્વસનીય ભાગીદાર બની ગયો છે.

અમેરિકાનો નિર્ણય

પરંતુ હવે એ જ અમેરિકાએ એવો નિર્ણય લીધો છે, જેના કારણે પાકિસ્તાનને રાજકીય અને કૂટનીતિક રીતે અચંબામાં મુકી દીધું છે. US સ્ટેટ ડિપાર્ટમેન્ટે 21 જાન્યુઆરીથી પાકિસ્તાન સહિત 75 દેશો માટે ઇમિગ્રન્ટ વિઝા પ્રક્રિયા અનિશ્ચિત સમય માટે સ્થગિત કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય “પબ્લિક ચાર્જ” જોગવાઈ હેઠળ ઇમિગ્રેશન પ્રક્રિયાની નવી અને કડક સમીક્ષાનો ભાગ છે.

નાણાકીય બોજ બની શકે

અમેરિકન અધિકારીઓનું માનવું છે કે કેટલાક દેશોમાંથી આવતા અરજદારો છેતરપિંડીનું જોખમ વધારે ધરાવે છે અથવા ભવિષ્યમાં US સરકાર પર નાણાકીય બોજ બની શકે છે. તેથી કોન્સ્યુલર અધિકારીઓને આવા અરજદારોના વિઝા નકારવાની વિશાળ સત્તા આપવામાં આવી છે. સ્ક્રીનિંગ દરમિયાન આરોગ્ય, ઉંમર, અંગ્રેજી ભાષા કુશળતા અને નાણાકીય સ્થિરતા જેવા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવામાં આવશે.

પાકિસ્તાન ઉપરાંત આ દેશો પણ

આ યાદીમાં પાકિસ્તાન ઉપરાંત બાંગ્લાદેશ, અઝરબૈજાન, રશિયા, થાઈલેન્ડ, અફઘાનિસ્તાન, બ્રાઝિલ, ઈરાન, ઈરાક અને જોર્ડન જેવા દેશોનો પણ સમાવેશ થાય છે. આશ્ચર્યજનક રીતે, ભારતને આ યાદીમાંથી બહાર રાખવામાં આવ્યું છે. અમેરિકાની આ પસંદગી ભારતને એક વિશ્વસનીય ભાગીદાર તરીકે જોવામાં આવે છે તેવું સંકેત આપે છે. ભારતીય અધિકારીઓ માને છે કે આથી કુશળ સ્થળાંતર, ઉચ્ચ શિક્ષણ અને ટેકનોલોજી ક્ષેત્રોમાં સહકારને વધુ વેગ મળશે.

પાકિસ્તાન માટે આ નિર્ણય આઘાતજનક

પાકિસ્તાન માટે આ નિર્ણય એટલા માટે વધુ આઘાતજનક છે કારણ કે તાજેતરમાં મુનીર અને PM શાહબાઝ શરીફે ટ્રમ્પની પ્રશંસા કરી હતી અને તેમને નોબેલ શાંતિ પુરસ્કાર માટે પણ નામાંકિત કર્યા હતા. એક સમય એવો હતો જ્યારે ટ્રમ્પે ખુદ પાકિસ્તાન પર આતંકવાદીઓને આશ્રય આપવાનો આરોપ મૂક્યો હતો. આજે ફરી એકવાર અમેરિકાનો આ કડક નિર્ણય એ જ બતાવે છે કે કૂટનીતિક મિત્રતા હોવા છતાં અમેરિકાના રાષ્ટ્રીય હિતો હંમેશા પ્રથમ સ્થાને રહે છે.

આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનમાં પતંગ ઉડાડવાથી શું થાય ખબર છે? વાંચો Full Story