જાન્યુઆરી આવે એટલે ભારતમાં ધાબા પર લોકો ચઢી જાય છે. રંગબેરંગી પતંગો, “કાઈ પો છે”ની બૂમ અને તલ-ગોળની મીઠાસ—મકરસંક્રાંતિ આનંદનો તહેવાર છે. પરંતુ સરહદ પાર પાકિસ્તાનમાં આ જ પતંગ ભયનું માહોલ બનાવે છે. ત્યાં પતંગ ઉડાડવું આનંદ નહીં, પરંતુ કાયદેસર અપરાધ ગણાય છે.


જાણો કારણ શું છે ?

આની શરૂઆત થાય છે એક પાતળી દોરીથી. પાકિસ્તાનમાં પતંગ માટે વપરાતી દોરી ઘણીવાર કાચ, રસાયણો અને ક્યારેક ધાતુથી કોટેડ હોય છે. આ દોરી એટલી તીક્ષ્ણ હોય છે કે રસ્તા પર લટકતી હોય તો મોટરસાયકલ ચાલકોના ગળા કપાઈ જાય. છેલ્લા કેટલાક વર્ષોમાં આવી દોરીએ અનેક પરિવારોના ઘરમાં શોક ફેલાવ્યો છે. એક ક્ષણની મજા કોઈનું જીવન બદલી નાખે, એ હકીકતથી સરકારની ચિંતા વધી ગઇ.

વિસ્તારો અંધકારમાં

ખતરો અહીં પૂરતો નથી. ધાતુની દોરી વીજ થાંભલાઓ અને હાઈ-વોલ્ટેજ લાઈનોને સ્પર્શે ત્યારે આખા વિસ્તારો અંધકારમાં ડૂબી જાય છે. શોર્ટ સર્કિટ, ટ્રાન્સફોર્મર બળે અને ક્યારેક છત પર અટવાયેલા પતંગ કાઢતા બાળકો વીજ કરંટનો ભોગ બને છે. પતંગની ઉડાન સાથે મોત પણ આવે છે.

ઉજવણીના નામે થયેલા ગોળીબારથી લોકોનો જીવ

ઉપરાંત, પાકિસ્તાનમાં પતંગના તહેવારો ઘણીવાર અશાંતિ સાથે જોડાયા. છત પરથી હવાઈ ગોળીબાર, રસ્તા પર જોખમી બાઈક સ્ટંટ અને નાના વિવાદમાંથી મોટી હિંસા—આ બધું વારંવાર જોવા મળ્યું. ઉજવણીના નામે થયેલા ગોળીબારમાં અનેક નિર્દોષ લોકોના જીવ ગયા અને પતંગ સરકાર માટે કાયદો-વ્યવસ્થાની સમસ્યા બની ગયો.

ધાર્મિક દલીલો

આ વચ્ચે ધાર્મિક દલીલો પણ સામે આવી. કેટલાક ધાર્મિક વિદ્વાનોએ પતંગ ઉડાડવાને બિન-ઇસ્લામિક ગણાવ્યું. તેમના મતે આ પ્રવૃત્તિ ફિજુલ ખર્ચ, જોખમ અને સ્વ-નુકસાનને પ્રોત્સાહન આપે છે. આ વિચારોને કારણે પ્રતિબંધને સામાજિક સમર્થન પણ મળ્યું. આ તમામ કારણોના પરિણામે પંજાબ કાઈટ ફ્લાઈંગ રેગ્યુલેશન એક્ટ અમલમાં આવ્યો. કાયદો અત્યંત કડક છે—પતંગ ઉડાડતા પકડાય તો ત્રણથી 5 વર્ષની જેલ અને કરોડો રૂપિયાનો દંડ થઈ શકે છે. ગુનો બિનજામીનપાત્ર છે, એટલે ધરપકડ થતાં જ જેલ નિશ્ચિત. સગીર પતંગ ઉડાવે તો તેના માતાપિતાને જવાબદાર ઠેરવવામાં આવે છે અને ભારે દંડ વસૂલવામાં આવે છે.

 એક બાજુ પતંગ આનંદ બીજી બાજુ જેલ

એટલે પાકિસ્તાનમાં પતંગ એક સમયનો લોકપ્રિય શોખ હતો, પરંતુ અકસ્માતો, હિંસા અને સામાજિક વિવાદોના કારણે તે કાયદાની નજરે ગુનો બની ગયો. સરહદની એક બાજુ પતંગ આનંદની ઉડાન ભરે છે, તો બીજી બાજુ એ જ પતંગ લોકોને જમીન જેલ સુધી ખેંચી લે છે.

આ પણ વાંચો : 14 કિમી ટનલ બનાવી, હવે ₹52 કરોડમાં બંધ! ઉત્તરકાશીમાં સરકારનો ચોંકાવનારો નિર્ણય કેમ?


  • Follow us on: