પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી એક મોટા અને દુઃખદ રેલ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. મંગળવારે વહેલી સવારે એક મુસાફર ટ્રેન પાટા પરથી ઉતરીને પલટી જતાં ગંભીર હોનારત સર્જાઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઓછામાં ઓછા 5 લોકોના આકાસ્મિક મોત નીપજ્યા છે, જ્યારે 30 થી વધુ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આ દુર્ઘટના મંગળવારે સવારે આશરે ૫:૧૫ વાગ્યે બની હતી. આ 'રહેમાન બાબા એક્સપ્રેસ' ટ્રેન કરાચીથી પેશાવર તરફ જઈ રહી હતી. મુલ્તાન નજીક આવેલ શેરશાહ બ્રિજ પાસેથી પસાર થતી વખતે અચાનક જ ટ્રેન નિયંત્રણ ગુમાવીને પાટા પરથી નીચે ઉતરી ગઈ હતી.

13 કોચ ખાલી કરાવવામાં આવ્યા, નિશ્તાર હોસ્પિટલમાં સારવાર

મીડિયા રિપોર્ટ પ્રમાણે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને બચાવ દળો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બચાવ અધિકારીઓએ તાત્કાલિક કામગીરી હાથ ધરીને ટ્રેનના ૧૩ કોચને ખાલી કરાવી લીધા હતા, જ્યારે એક ડબ્બામાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું હતું. ઘાયલોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે મુલ્તાનની નિશ્તાર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

જાળવણીમાં બેદરકારી કે અન્ય કારણ?

અકસ્માતનો ભોગ બનેલા એક મુસાફરે પત્રકારોને જણાવ્યું હતું કે દુર્ઘટના પહેલાં રોહરી સ્ટેશન નજીક રેલવે કર્મચારીઓએ કોચ નંબર ૯ ના નટ્સ અને બોલ્ટ્સનું સમારકામ કર્યું હતું. જોકે, આ તાંત્રિક ખામી જ અકસ્માતનું મુખ્ય કારણ છે કે નહીં તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી. પાકિસ્તાન રેલવે દ્વારા તપાસ બાદ જ અકસ્માતનું સાચું કારણ સ્પષ્ટ થશે.આ ઘટના અંગે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાની સાથે ઈજાગ્રસ્તોને સમયસર શ્રેષ્ઠ તબીબી સુવિધા આપવા નિર્દેશ આપ્યા છે.

પાકિસ્તાનની જર્જરિત રેલવે સિસ્ટમ પર સવાલો

પાકિસ્તાનમાં જર્જરિત પાટા અને નબળી જાળવણીના કારણે ટ્રેન અકસ્માતો સામાન્ય બની ગયા છે. આ અગાઉ ઓગસ્ટ ૨૦૨૩ માં પણ સિંધના નવાબશાહ નજીક 'હજારા એક્સપ્રેસ' પાટા પરથી ખસી જતાં ૩૦ થી વધુ લોકોના મોત થયા હતા અને ૧૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ નવી ઘટનાએ ફરી એકવાર પાકિસ્તાની રેલવેની સુરક્ષા સામે મોટા પ્રશ્નાર્થ ચિહ્નો ઊભા કર્યા છે.

આ પણ વાંચોઃ  Rahul Gandhi ને માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટથી રાહત, નીચલી કોર્ટની કાર્યવાહી પર લગાવી રોક