પાકિસ્તાનના ગેરકાયદેસર કબજા હેઠળના જમ્મુ-કાશ્મીર (PoJK) માં સ્થિતિ દિનપ્રતિદિન વણસી રહી છે. પાકિસ્તાન સરકાર વિરૂદ્ધ ચાલી રહેલા જનઆંદોલનને કચડી નાખવા માટે ત્યાંના સુરક્ષા દળો નિર્દોષ નાગરિકો પર બેરહેમીથી અત્યાચાર ગુજારી રહ્યા હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સંયુક્ત અવામી એક્શન કમિટી (JAAC) ના અગ્રણી સભ્ય સરદાર શબ્બીરે પાકિસ્તાની સુરક્ષા દળો પર સણસણતા આરોપો લગાવતા કહ્યું છે કે, સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચેલો છે અને લોકોની આઝાદી તેમજ વિરોધના અવાજને બંદૂકના જોરે દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
પ્રદર્શનકારીઓ પર અંધાધૂંધ ફાયરિંગ
સરદાર શબ્બીરના જણાવ્યા અનુસાર, સુરક્ષા દળો પ્રદર્શનકારીઓ પર એટલી હદે કડક અને હિંસક કાર્યવાહી કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ સરકાર સામે અવાજ ઉઠાવવાની હિંમત ન કરી શકે. રાવલાકોટમાં જ્યારે લોકો એક મૃતદેહને રસ્તા પર રાખીને સંપૂર્ણપણે શાંતિપૂર્ણ રીતે ધરણા પર બેઠા હતા, ત્યારે પાકિસ્તાની સેનાએ ચારેય બાજુથી ઘેરાબંધી કરીને બખ્તરબંધ વાહનો સાથે હુમલો કરી દીધો હતો. પ્રદર્શનકારીઓ પર ભારે માત્રામાં આંસુ ગેસના ગોળા છોડવામાં આવ્યા હતા, જેમાં અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને કેટલાક લોકોના મોત પણ નીપજ્યા હતા.
ડોક્ટરોને પણ મારી ગોળી
આ હિંસા માત્ર રાવલાકોટ પૂરતી સીમિત નથી રહી. છમ ચૌંધિયા અને ભીમ્બરથી નીકળેલો વિરોધ માર્ચ જ્યારે કોટલી પહોંચ્યો, ત્યારે સુરક્ષા દળોએ સામાન્ય નાગરિકોને નિશાન બનાવીને અંધાધૂંધ ઓપન ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ગોળીબારમાં અસંખ્ય લોકો લોહીલુહાણ થયા હતા. આઘાતજનક બાબત એ છે કે જ્યારે ઘાયલ લોકોને સારવાર માટે જિલ્લા મુખ્ય મથક (DHQ) હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, ત્યારે સુરક્ષા દળો ત્યાં પણ પહોંચી ગયા હતા. હોસ્પિટલની અંદર ફરજ પર હાજર ડોક્ટર અહેસાનને ગોળી મારી દેવામાં આવી હતી. આ સિવાય એક પ્રોફેસર અને એક મહિલા પણ આ બર્બરતાનો ભોગ બન્યા છે.
પાકિસ્તાની સેનાનો તાંડવ
JAAC નેતાએ દાવો કર્યો છે કે માત્ર કોટલી શહેરમાં જ એક ડઝનથી વધુ લોકોના મોત થયા છે અને હાલ આખા PoJK માં ભય અને દમનનો માહોલ છે. પાકિસ્તાની સેનાના આ તાંડવ સામે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અવાજ ઉઠાવવાની માંગ તેજ થઈ છે. સરદાર શબ્બીરે વૈશ્વિક મીડિયા, માનવાધિકાર સંગઠનો અને વિશ્વભરમાં વસતા કાશ્મીરીઓને આ અમાનવીય ઘટનાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા અને પાકિસ્તાન વિરૂદ્ધ અવાજ ઉઠાવવા માટે મોટી અપીલ કરી છે.
આ પણ વાંચો: Abu Dhabi: રાત્રે સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતો હતો, સવારે ઈમેલ આવ્યો ને બની ગયો 78 કરોડનો માલિક!