દુનિયા અત્યારે પહેલાથી જ હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) માં ચાલી રહેલા તણાવ અને ક્રૂડ ઓઈલની સપ્લાયના સંકટથી ઝઝૂમી રહી છે. તેવામાં હવે વૈશ્વિક અર્થતંત્રની લાઈફલાઈન ગણાતી પનામા નહેર (Panama Canal) ને લઈને વિશ્વની બે સૌથી મોટી આર્થિક અને સૈન્ય શક્તિઓ — અમેરિકા અને ચીન — આમને-સામને આવી ગઈ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પનામા નહેરમાં ચીનના વધી રહેલા હસ્તક્ષેપ અને ઘૂસણખોરી સામે કડક વલણ અપનાવતા ચીનને ખુલ્લી ચેતવણી આપી છે. આ વિવાદ ભવિષ્યમાં હોર્મુઝ સ્ટ્રેટ જેવા જ એક મોટા આંતરરાષ્ટ્રીય સૈન્ય સંઘર્ષમાં બદલાઈ શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

શું છે પનામા નહેરનો સમગ્ર વિવાદ?

પનામા નહેર પેસિફિક (પ્રશાંત) મહાસાગર અને એટલાન્ટિક મહાસાગરને જોડતો અત્યંત વ્યૂહાત્મક દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વૈશ્વિક વેપારના અબજો ડોલરના જહાજો પસાર થાય છે. વર્ષ 1999ના અંતમાં એક સંધિ હેઠળ અમેરિકાએ આ નહેરનો કંટ્રોલ પનામા દેશને સોંપ્યો હતો. જો કે, અમેરિકાનો આરોપ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં ચીને પોતાની આર્થિક શક્તિના જોરે પનામા નહેરના બંને છેડે આવેલા વ્યૂહાત્મક બંદરો (બાલબોઆ અને ક્રિસ્ટોબલ) પર પોતાનો પ્રભાવ વધારી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે પનામા નહેર કોઈ પણ સંજોગોમાં ચીનના નિયંત્રણમાં ન જવી જોઈએ અને તેને પનામાને સોંપવાનો અગાઉનો નિર્ણય એક મોટી ભૂલ હતી.

પનામા પર અમેરિકાનું વધતું દબાણ

તાજેતરમાં પનામાની સર્વોચ્ચ અદાલતે આ વ્યૂહાત્મક બંદરોના સંચાલન સાથે જોડાયેલા ચીની કંપનીના કરારો અંગે કડક વલણ અપનાવ્યું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિઓ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પના ભારે આર્થિક અને રાજદ્વારી દબાણ બાદ પનામાની સરકારે પણ ચીનને મોટો ઝટકો આપવાની તૈયારી કરી લીધી છે. પનામાના રાષ્ટ્રપતિએ સંકેત આપ્યા છે કે તેઓ ચીનના મહત્વાકાંક્ષી 'બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવ' (BRI) પ્રોજેક્ટને રિન્યુ નહીં કરે અને ચીની પોર્ટ કંપનીઓનું ઓડિટ કરાવશે. અમેરિકાનું માનવું છે કે ચીન પનામાના ધ્વજવાળા જહાજો પર દબાણ લાવી આંતરરાષ્ટ્રીય ટ્રેડિંગ સિસ્ટમને પ્રભાવિત કરવા માંગે છે.

વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર અસર

જો પનામા નહેરમાં અમેરિકા અને ચીન વચ્ચે સૈન્ય કે આર્થિક સંઘર્ષ વધશે, તો તેની સીધી અસર વૈશ્વિક સપ્લાય ચેઈન પર પડશે. હોર્મુઝ બાદ જો પનામા નહેરમાં પણ જહાજોની અવરજવર અટકે અથવા ધીમી પડે, તો દરિયાઈ ભાડું આકાશે આંબી જશે અને સમગ્ર વિશ્વમાં મોંઘવારીનો નવો વિસ્ફોટ થઈ શકે છે. ભારત માટે પણ આ ચિંતાનો વિષય છે કારણ કે પશ્ચિમી દેશો સાથેનો આપણો ઘણો વેપાર આ માર્ગો પર નિર્ભર છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ મુદ્દે કોઈ મોટું સૈન્ય કે આર્થિક પગલું ભરવાની કસમ ખાઈ ચૂક્યા હોવાથી આગામી દિવસો આંતરરાષ્ટ્રીય રાજનીતિ માટે અત્યંત નાજુક બની રહેશે.

આ પણ વાંચો:Bill Gates: વોરેન બફેટે બિલ ગેટ્સ ફાઉન્ડેશનને અબજોનું દાન આપવાનું અટકાવ્યું,એપસ્ટીન સેક્સ કૌભાંડના રિપોરિટની રાહ