અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા જતા તણાવને કારણે વૈશ્વિક અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ક્રૂડ ઓઈલના ભાવ ફરી 105 ડોલર પ્રતિ બેરલને પાર કરી ગયા છે. ખાસ કરીને Strait of Hormuz પર અમેરિકી નાકાબંધી અને ઈરાનના વર્ચસ્વને કારણે તેલ-ગેસનું સંકટ ગંભીર બન્યું છે. પરંતુ આ આંતરરાષ્ટ્રીય ખેંચતાણ વચ્ચે પનામા જેવા એક નાનકડા દેશની લોટરી લાગી ગઈ છે.


પનામા કેનાલ સૌથી મોંઘો માર્ગ

હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાને કારણે વિશ્વભરની શિપિંગ કંપનીઓ હવે વૈકલ્પિક રસ્તાઓ શોધી રહી છે, જેમાં પનામા કેનાલ સૌથી મહત્વનો રૂટ બનીને ઉભરી આવ્યો છે. અહીં જહાજોની એટલી ભીડ વધી ગઈ છે કે હવે 'વેઇટિંગ લિસ્ટ' લાંબુ થયું છે. પરિણામે, પનામા સરકાર હવે હરાજી (Auction) દ્વારા સ્લોટ ફાળવી રહી છે. અહેવાલો અનુસાર, એક તેલ ટેન્કરને વહેલું પસાર કરવા માટે કંપનીઓ 4 મિલિયન ડોલર (આશરે 37 કરોડ રૂપિયાથી વધુ) સુધીની બોલી લગાવી રહી છે.

કેમ વધી રહી છે બોલી?

સામાન્ય રીતે આ કેનાલમાંથી પસાર થવાનો ખર્ચ 3 થી 4 લાખ ડોલર હોય છે, પરંતુ યુદ્ધની સ્થિતિમાં સુરક્ષિત અને ઝડપી રસ્તો મેળવવા માટે કંપનીઓ દસ ગણી વધુ રકમ ચૂકવવા તૈયાર છે. વિશ્વના કુલ તેલ વપરાશનો 20 ટકા હિસ્સો હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થાય છે, જે હાલ બંધ છે. નિષ્ણાતોના મતે, મિસાઈલ અને ડ્રોન હુમલાઓ વચ્ચે પનામા કેનાલથી મુસાફરી કરવી વધુ સુરક્ષિત છે. જોકે, આ વધારાના ખર્ચની સીધી અસર ગ્લોબલ સપ્લાય ચેઈન અને તેલના ભાવો પર પડી શકે છે. પનામા સરકાર આ સ્થિતિનો પૂરો લાભ ઉઠાવીને પોતાની તિજોરી ભરી રહી છે.

આ પણ વાંચો: Israelના પીએમ Benjamin Netanyahuને Cancer હોવાનું નિદાન, જાણો કેવી છે તબિયત?

  • Follow us on: