UNની બેઠકમાં સામેલ થવા જઈ રહેલા ઈરાનના રાષ્ટ્રપતિ સામાન્ય વિદેશી નેતાઓની જેમ ન્યૂયોર્કમાં ફરી શકશે નહીં. તેઓ ત્યાં કોઈની સાથે સ્વતંત્ર રીતે વાત પણ કરી શકશે નહીં. હકીકતમાં અમેરિકાએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન અને તેમની ટીમને લઈને ઘણી પાબંદીઓ જાહેર કરી છે. આ અંતર્ગત ન્યૂયોર્કમાં ઈરાનના રાષ્ટ્રપતિ માત્ર પોતાની હોટલ જઈ શકશે. ત્યાંથી બંધ ગાડીમાં બેસીને યુએન ઓફિસ જશે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ અમેરિકાએ ઈરાનના રાષ્ટ્રપતિ પર પ્રતિબંધ લગાવ્યો છે. જોકે, યુએન મીટિંગમાં સામેલ થવાની તેમને પરવાનગી મળી ગઈ છે. રાષ્ટ્રપતિ પોતાના પ્રતિનિધિમંડળ સાથે યુએનની બેઠકમાં ભાગ લઈ શકે છે.

એરપોર્ટથી હોટલ અને પછી UNનો નક્કી રૂટ

યુએનની બેઠકમાં ભાગ લેવા માટે ઈરાનના રાષ્ટ્રપતિનો રૂટ નક્કી કરી દેવામાં આવ્યો છે. એરપોર્ટથી રાષ્ટ્રપતિ મેનહટનના મિલાન હોટલ જશે. અહીંથી તેઓ પોતાની ટીમ સાથે યુએનની મીટિંગમાં જશે. યુએનમાં ભાષણ પૂરું થયા બાદ તેઓ ફરી હોટલ જશે અને ત્યાંથી એરપોર્ટ માટે રવાના થશે. ત્યારબાદ તેઓ ઈરાન પરત ફરશે.

થિંકટેન્ક સાથે વાત કરવા માંગે છે પેજેશ્કિયાન

અહેવાલ મુજબ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશ્કિયાન હોટલમાં અમેરિકન અને યુરોપિયન થિંકટેન્કના લોકો સાથે વાત કરવા માંગે છે. જોકે, તેમને જાહેર રીતે મીટિંગ યોજીને વાત કરવાની પરવાનગી નથી. કેટલાક સભ્યો સાથે તેઓ યુએનની અંદર અથવા હોટલમાં ચોક્કસ મળી શકે છે. યુદ્ધ બાદ ઈરાનના રાષ્ટ્રપતિની આ પહેલી અમેરિકાની મુલાકાત છે. અહીં તેઓ યુએનની અંદર ભાષણ આપશે અને ઈરાનનો પક્ષ રજૂ કરશે. ફેબ્રુઆરી 2026માં ઈઝરાયેલ અને અમેરિકાએ ઈરાન પર હુમલો કર્યો હતો, ત્યારથી બંને વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે.

વૈશ્વિક મંચ પર ઈરાનનો પક્ષ રજૂ કરી રહ્યા છે

ઈરાનના યુદ્ધ દરમિયાન પેજેશ્કિયાનને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ઈઝરાયેલના હુમલામાં તેઓ માંડ-માંડ બચી ગયા હતા. ત્યારબાદ પેજેશ્કિયાન પોતે દુનિયાભરના મોટા મંચો પર જઈને ઈરાનનો પક્ષ રજૂ કરી રહ્યા છે. તાજેતરમાં બ્રિક્સ મીટિંગમાં પોતાની વાત રજૂ કરવા માટે પેજેશ્કિયાન દિલ્હી આવ્યા હતા. તેમણે કહ્યું હતું કે જે રીતે શક્તિનો ખોટો ઉપયોગ થઈ રહ્યો છે, તેના પર ધ્યાન આપવાની જરૂર છે.

આ પણ વાંચો:  ગ્રેસી મેન્શનમાં Donald Trumpએ Zohran Mamdaniની પ્રશંસા કરતા જૂની યાદો કરી તાજા