યુરોપના દેશો આ દિવસોમાં અભૂતપૂર્વ અને ભીષણ ગરમીની ઝપેટમાં આવ્યા છે. ફ્રાન્સ, જર્મની, સ્પેન અને ઇટાલી સહિતના દેશોમાં તાપમાન તમામ રેકોર્ડ તોડવા તરફ આગળ વધી રહ્યું છે. ગરમીના આ પ્રકોપને જોતા સરકારોએ કટોકટીના પગલાં ભરવાની ફરજ પડી છે. ફ્રાન્સમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે કેટલાય વિસ્તારોમાં જાહેર કાર્યક્રમો દરમિયાન દારૂ પીવા પર પણ અસ્થાયી પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.


ફ્રાન્સના 35 વિસ્તારોમાં રેડ એલર્ટ

યુરોપમાં આ વર્ષની સૌથી ખતરનાક હીટવેવ ચાલી રહી છે, જ્યાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ફ્રાન્સના 96 માંથી 35 વહીવટી વિસ્તારોમાં 'રેડ હીટવેવ એલર્ટ' જાહેર કરાયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નૂએ તાકીદની બેઠક બોલાવી હતી. ત્યારબાદ, પરંપરાગત "ફેટ ડે લા મ્યુઝિક" ઉત્સવ અને રવિવારના અન્ય સાર્વજનિક કાર્યક્રમોમાં દારૂના સેવન પર રોક લગાવી દેવાઈ છે, જેથી ડિહાઇડ્રેશનની સમસ્યાથી બચી શકાય. આ સાથે જ નાગરિકોને રાહત આપવા પેરિસના તમામ પાર્ક ચોવીસ કલાક ખુલ્લા રાખવાનો નિર્ણય લેવાયો છે.

જર્મની, ઇટાલી અને સ્પેનની હાલત કફોડી

માત્ર ફ્રાન્સ જ નહીં, જર્મનીમાં પણ હવામાન વિભાગ (DWD) દ્વારા ભારે ગરમી અને અસહ્ય ભેજ વચ્ચે વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે. ઇટાલીની રાજધાની રોમમાં પ્રવાસીઓ કાળઝાળ ગરમીમાં લાઈનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે, જ્યારે બોલોન્યા જેવા શહેરોમાં લોકો જાહેર ફુવારાઓ આસપાસ ભીડ જમાવી રહ્યા છે. સ્પેનની રાજધાની મેડ્રિડમાં પણ સુરક્ષાના કારણોસર વર્લ્ડ કપ મેચનું મોટું ફેન ઝોન બંધ કરવું પડ્યું છે.

અર્થતંત્ર પર પણ જોખમ

નિષ્ણાતોના મતે, ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન (Climate Change) ના કારણે યુરોપમાં હીટવેવની તીવ્રતા વધી છે. ફ્રાન્સની સેન્ટ્રલ બેંકના ગવર્નર ઇમેન્યુઅલ મોલિને ચેતવણી આપી છે કે આ અસહ્ય ગરમીના કારણે લોકોની કાર્યક્ષમતા ઘટશે અને ઊર્જાની માંગ વધશે, જેનાથી આર્થિક પ્રવૃત્તિઓ પર માઠી અસર પડશે. હાલ પૂરતું પ્રશાસને લોકોને બપોરે બહાર ન નીકળવા અને વધુ પ્રમાણમાં પાણી પીવાની સલાહ આપી છે.

આ પણ વાંચો:Gaza માં ઇઝરાયલનો જોરદાર હવાઇ હુમલો, બે બાળકો સહિત 6ના મોત

  • Follow us on: