Iranના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને બુધવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર જોરદાર પલટવાર કર્યો. તેમણે ટ્રમ્પ દ્વારા ઈરાનને આતંકવાદી દેશ ગણાવવાના નિવેદનને ફગાવી દીધું. તેમણે કહ્યું કે ઈરાન પોતે આતંકવાદનો શિકાર રહ્યું છે. આ સાથે પેઝેશ્કિયાને અમેરિકા અને ઈઝરાયલ પર ઈરાન પર હુમલો કરવાનો પણ આરોપ લગાવ્યો.
પેઝેશ્કિયાને સંબોધનમાં ઈરાનના હુમલાની દર્દનાક તસવીરો બતાવી
પેઝેશ્કિયાને પોતાના સંબોધન દરમિયાન મીનાબ સ્કૂલ હુમલાના પીડિતોની તસવીરો પણ બતાવી. તેમણે આ તસવીરો દ્વારા સંઘર્ષમાં માર્યા ગયેલા નિર્દોષ નાગરિકોની સ્થિતિ રજૂ કરી. ઈરાનના રાષ્ટ્રપતિએ ઈરાની નાગરિકો પર થયેલા હુમલાઓ વિશે વાત કરતા કબરો, બાળકો અને અન્ય પીડિતોની તસવીરો પણ બતાવી. તેમણે ઈરાનના સર્વોચ્ચ નેતાની હત્યા અને ઈરાની નાગરિકો તથા સંસ્થાઓ પર થયેલા હુમલાનો પણ ઉલ્લેખ કર્યો.
અમેરિકા-ઈઝરાયલ પર નિશાન સાધ્યું
પેઝેશ્કિયાને કહ્યું, ‘હું એવા ઈરાનથી આવું છું, જ્યાં અમારા સર્વોચ્ચ નેતાની હત્યા કોઈ કાયદાકીય માળખા કે કારણ વગર કરવામાં આવી હતી. હું એવા ઈરાનથી આવું છું, જ્યાં ખરેખર એક સ્કૂલ પર બોમ્બમારો કરવામાં આવ્યો હતો. શું તમે આ બાળકોને જોઈ રહ્યા છો? આ બાળકો અમેરિકા અને ઈઝરાયલ દ્વારા ઉપયોગમાં લેવાયેલા હથિયારોના બોમ્બથી દટાઈને મૃત્યુ પામ્યા હતા. તેઓ નિર્દોષ હતા, તેમણે કોઈ ગુનો કર્યો ન હતો.’
પેઝેશ્કિયાને કહ્યું- ઈરાને પોતાની રક્ષા કરી
ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલાઓ પર વાત કરતા પેઝેશ્કિયાને કહ્યું કે ઈરાને પોતાની રક્ષા કરી હતી. જોકે, તેમણે સાથે એવો દાવો પણ કર્યો કે તેમની સેનાએ જાણીજોઈને નાગરિકોને નિશાન બનાવ્યા ન હતા. તેમણે કહ્યું, ‘અમારા નિર્દોષ લોકો અમારા દેશ પર કરવામાં આવેલા કાયરતાપૂર્ણ હુમલાનો ભોગ બન્યા છે. અમે પૂરી તાકાતથી પોતાની રક્ષા કરી.’અમેરિકા અને ઈઝરાયલે લેટેસ્ટ ટેક્નોલોજીથી ઈરાન પર હુમલો કર્યો, પરંતુ ઈરાને ઘૂંટણ ટેક્યા નહીં.
પેઝેશ્કિયાને ટ્રમ્પની ‘ધમકી’નો આપ્યો જવાબ
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાને અમેરિકાને જવાબ આપતા કહ્યું કે જો કોઈ ધમકી આપશે તો તેની સાથે કોઈ વાતચીત કરવામાં આવશે નહીં. હકીકતમાં, મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કરતા કહ્યું હતું કે ઈરાન પાસે માત્ર બે રસ્તા છે, કાં તો તે ડીલ કરશે અથવા નરકમાં જશે અને તેનો નિર્ણય તેણે પોતે કરવાનો છે. આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું હતું કે જો વાતચીત દ્વારા સંઘર્ષનો ઉકેલ નહીં આવે તો તેમની સામે તેહરાન સાથે સમજૂતી કરવાનો અથવા ‘ઈસ્લામિક રિપબ્લિકને સંપૂર્ણ રીતે નષ્ટ કરવાનો’ વિકલ્પ છે.
આ પણ વાંચો: ઈરાન-અમેરિકા વચ્ચે ફરી વાતચીત, યુદ્ધ ખતમ કરવા ઈરાને મૂકી 5 શરતો