કેરેબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકમાં રવિવાર, ૭ જૂનના રોજ એક અત્યંત હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક ખાનગી વિમાન રનવે પર ક્રેશ થતા બે પાઇલટના મોત થયા છે. આ દુર્ઘટના પૂર્વી ડોમિનિકન રિપબ્લિકના જાણીતા 'લા રોમાના આંતરરાષ્ટ્રીય વિમાનમથક' પર બની હતી, જેના પગલે સમગ્ર દેશમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.
એરપોર્ટ પર લેન્ડિંગ સમયે બની આ ઘટના
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ખાનગી વિમાન જ્યારે લા રોમાના એરપોર્ટ પર લેન્ડિંગ કરી રહ્યું હતું, ત્યારે અચાનક તે નિયંત્રણ ગુમાવી બેઠું હતું. રનવે પર લેન્ડ થતી વખતે વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હોવાની શક્યતા છે, જેના કારણે તે તરત જ ક્રેશ થયું હતું અને આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ધુમાડાના કાળા ગોટા આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દ્રશ્યોમાં વિમાનનો પાછળનો ભાગ (પૂંછડીનો ભાગ) રનવે પર આકાશ તરફ ઊંચો થયેલો જોઈ શકાય છે, ત્યારબાદ થયેલા વિસ્ફોટે ત્યાં હાજર લોકોમાં ભય પેદા કર્યો હતો.










