વડાપ્રધાન મોદી ભૂટાન પ્રવાસે છે અને બુધવાર તેમના ભૂટાન પ્રવાસનો બીજો દિવસ છે. બુધવારે પીએમ મોદીએ ભૂટાનના ચોથા રાજા દ્રુક ગ્યાલપો જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે દ્વિપક્ષીય બેઠકમાં સામેલ થયા અને બંને દેશો વચ્ચે ભાગીદાર મજબૂત કરવા પર ચર્ચા કરી. વડાપ્રધાને બુધવારે થિમ્પૂમાં ભૂટાનના રાજા જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચુક સાથે કાલચક્ર અભિષેક કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યુ.
કાલચક્ર સેરેમનીમાં લીધો ભાગ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે થિમ્પૂમાં ભૂટાનના પૂર્વ રાજા અને ચોથા નરેશ જિગ્મે સિંગ્યે વાંગચુક સાથે મુલાકાત કરી. તેમણે વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવના કાલચક્ર અનુષ્ઠાનમાં ભાગ લીધો. કાલચક્ર સેરેમની તિબ્બતી બોદ્ધ ધર્મ સાથે જોડાયેલા છે. જેનો અર્થ સમયનુ ચક્ર થાય છે. કાલચક્રને બોદ્ધ ધર્મનો મહાકુંભ પણ કહેવામાં આવે છે.જેમાં દરેક લોકો મળીને વિશ્વ શાંતિ માટે પ્રાર્થના કરે છે. કાલચક્ર સેરેમનીમાં અનેક પ્રકારના કાર્યક્રમ પણ થાય છે.
કાલચક્ર અભિષેકનુ કર્યુ ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર મહોત્સવના ફોટોઝ પોસ્ટ કરતા લખ્યુ કે, "મને મહામહિમ ચોથા રાજા સાથે કાલચક્ર 'સમયનું ચક્ર' સમારોહનું ઉદ્ઘાટન કરવાનું સન્માન મળ્યું.તેની અધ્યક્ષતા પરમ પવિત્ર જે ખેન્પો દ્વારા કરવામાં આવી હતી, જેનાથી તે વધુ ખાસ બન્યું. આ એક મહત્વપૂર્ણ ધાર્મિક વિધિ છે જે વિશ્વભરના બૌદ્ધો માટે ખૂબ જ સાંસ્કૃતિક મહત્વ ધરાવે છે.કાલચક્ર સશક્તિકરણ એ ચાલી રહેલા વૈશ્વિક શાંતિ પ્રાર્થના મહોત્સવનો એક ભાગ છે જેણે ભૂટાનમાં બૌદ્ધ ભક્તો અને વિદ્વાનોને એકસાથે લાવ્યા છે."
દ્વિપક્ષીય સંબંધો અને પારસ્પરિક હિતના મુદ્દા પર ચર્ચા કરી
વડાપ્રધાને મહામહિમ, ચોથા નરેશની 70મી જંયતિના અવસર પર બધાઇ પણ આપી અને ભારત સરકાર તેમજ જનતા તરફથી તેમના નિરંતર સારાં સ્વાસ્થ્ય તેમજ કલ્યાણ માટે શુભકામના તેમજ પ્રાર્થના વ્યક્ત કરી છે. તેમણે ભારત-ભૂટાન મૈત્રીને વધુ મજબૂત બનાવવામાં તેમનુ નેતૃત્વ, પરામર્શ અને માર્ગદર્શન માટે ચોથા નરેશનો ધન્યવાદ કર્યો. બંને નેતાઓએ દ્વિપક્ષીય સંબંધો અને પારસ્પરિક હિતના મુદ્દા પર ચર્ચા કરી. તેમણે બંને દેશોના લોકોને નજીક લાવતા સહિયારા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક સંબંધો પર ભાર મૂક્યો.