પોતાના ન્યૂઝીલેન્ડ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઓકલેન્ડમાં ભારતીય સમુદાયના એક ભવ્ય કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. આ ખાસ પ્રસંગે પીએમ મોદીના સન્માનમાં કલા અને સંસ્કૃતિનો એક અદભુત સંગમ જોવા મળ્યો હતો, જ્યાં ન્યૂઝીલેન્ડના પરંપરાગત નૃત્ય 'હાકા' અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય 'કથક'ની અનોખી જુગલબંદીએ ભારે આકર્ષણ જગાવ્યું હતું.

આ કોમ્યુનિટી ઇવેન્ટમાં પ્રવાસી ભારતીયોને સંબોધતા પીએમ મોદીએ ખુશી વ્યક્ત કરી અને કહ્યું, "આજે 40 વર્ષ પછી કોઈ ભારતીય વડાપ્રધાન ન્યૂઝીલેન્ડ આવ્યા છે. આ મારું સૌભાગ્ય છે કે હું તમારા માટે 140 કરોડ ભારતીયોની શુભકામનાઓ લઈને આવ્યો છું."

25-30 વર્ષ જૂની યાદો તાજી કરી

સંબોધન દરમિયાન પીએમ મોદીએ મંચ પરથી એક એવી સંસ્મરણ વાર્તા શેર કરી જેણે ત્યાં હાજર દરેક વ્યક્તિના દિલને સ્પર્શી લીધું. વડાપ્રધાને પોતાના જૂના દિવસો યાદ કરતા ભાવુક અંદાજમાં કહ્યું, "ભલે વડાપ્રધાન તરીકે આ મારો પહેલો ન્યૂઝીલેન્ડ પ્રવાસ હોય, પરંતુ 25-30 વર્ષ પહેલા જ્યારે હું કોઈ સરકારનો હિસ્સો નહોતો અને સાર્વજનિક જીવનમાં મને કોઈ ઓળખતું નહોતું, ત્યારે મને ન્યૂઝીલેન્ડ આવવાની તક મળી હતી. તે સમયે મને અહીં એક કીવી (ન્યૂઝીલેન્ડના નાગરિક) સાથી તરફથી એક મફલર, એક ટોપી અને મોજાની જોડી ભેટમાં મળી હતી. આજે હું એ જ મફલર પહેરીને તમારી વચ્ચે આવ્યો છું. મેં વર્ષો સુધી તેનો ઉપયોગ કર્યો છે અને આજે પણ તેને એટલી જ કાળજીથી સાચવી રાખ્યું છે, જેટલો પ્રેમ હું તમારા બધાનો મારા દિલમાં સાચવી રાખું છું."

ભારત-ન્યૂઝીલેન્ડ સંબંધો અને 'વાકા'નો સંદેશ

બંને દેશોના મજબૂત સંબંધો પર ભાર મૂકતા પીએમ મોદીએ જણાવ્યું કે આ સંબંધોની વિભાવના માત્ર રાજદ્વારી નથી પરંતુ તેમાં પરસ્પર મૂલ્યો જોડાયેલા છે. તેમણે ન્યૂઝીલેન્ડની માઓરી સંસ્કૃતિના એક સુંદર શબ્દ 'વાકા' (Waka) નો ઉલ્લેખ કર્યો. પીએમ મોદીએ સમજાવ્યું, "'વાકા' એટલે માત્ર કોઈ હોડી કે નાવ નથી, પરંતુ તે એક એવી સમાન સફરનું પ્રતીક છે જે સદીઓથી લોકોને સાથે લાવે છે. આજે ભારત અને ન્યૂઝીલેન્ડ આ જ 'વાકા'ના સહારે એક નવી વિકાસયાત્રા પર નીકળવા તૈયાર છે."

પીએમ ક્રિસ્ટોફર લક્સને કરી પ્રશંસા

આ પ્રસંગે ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને પીએમ મોદીના નેતૃત્વની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે પીએમ મોદી અત્યંત સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવીને વિશ્વની સૌથી મોટી લોકશાહીનું સફળ નેતૃત્વ કરી રહ્યા છે અને કરોડો લોકોને ગરીબીમાંથી બહાર લાવ્યા છે. લક્સને તેમને વર્તમાન સમયના સૌથી પ્રભાવશાળી વૈશ્વિક નેતા અને ન્યૂઝીલેન્ડના સાચા મિત્ર ગણાવ્યા હતા.

આ પણ વાંચો: Afghanistan: ભારત અને અમારું DNA એક જ છે,અફઘાન મંત્રીના આ નિવેદનથી પાકિસ્તાની ચિંતા વધશે