અમેરિકા, ઇઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. આ વૈશ્વિક તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કુવૈતના અમીર શેખ મેશાલ અલ-અહમદ અલ-જાબેર અલ સબાહ સાથે ફોન પર વાતચીત કરી છે. આ સંવાદ દરમિયાન બંને નેતાઓએ મિડલ ઈસ્ટમાં ઝડપથી બદલાઈ રહેલી સુરક્ષા સ્થિતિ અંગે ઊંડી ચર્ચા કરી હતી. પીએમ મોદીએ વિસ્તારમાં વધી રહેલી હિંસા પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને મુત્સદ્દીગીરી (ડિપ્લોમેસી) તથા વાતચીત દ્વારા શાંતિ પુનઃસ્થાપિત કરવા પર ભાર મૂક્યો હતો.
કુવૈત પર થયેલા હુમલાની નિંદા
વિદેશ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિવેદન અનુસાર, વડાપ્રધાન મોદીએ કુવૈતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા પર થયેલા હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે. આ વાતચીત કુવૈત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા ભયાનક હુમલાના થોડા દિવસો બાદ થઈ છે, જેમાં કમનસીબે એક ભારતીય નાગરિકનું મોત નીપજ્યું હતું અને અન્ય કેટલાક ઘાયલ થયા હતા. પીએમ મોદીએ કુવૈતના અમીરને ખાતરી આપી હતી કે ભારત આ મુશ્કેલ સમયમાં કુવૈતની સાથે અડગ ઊભું છે અને તમામ પ્રકારનો સહયોગ આપશે.
ભારતીય સમુદાયની સુરક્ષા બદલ આભાર
પીએમ મોદીએ કુવૈતમાં વસતા લાખો ભારતીય સમુદાયના લોકોની સુરક્ષા અને તેમના કલ્યાણ માટે વ્યક્તિગત રીતે ધ્યાન આપવા બદલ કુવૈતના અમીરનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયે અગાઉ ૩ જૂનના રોજ સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ દરમિયાન સામાન્ય નાગરિકો અને પાયાની માળખાકીય સુવિધાઓને નિશાન બનાવવી જોઈએ નહીં. આ વિસ્તારમાં હાજર ભારતીય મિશન અસરગ્રસ્ત નાગરિકોની મદદ માટે સતત એલર્ટ મોડ પર છે.
અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ
બીજી તરફ, હોર્મુઝ સ્ટ્રેટ પાસે અમેરિકી અપાચે હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ અમેરિકા અને ઈરાન સામસામે આવી ગયા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ઈરાની ડ્રોનની ટક્કરને કારણે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું, જેના બદલામાં અમેરિકાએ ઈરાનના કેશમ આઈલેન્ડ, હોર્મુઝ અને બુશેહર સહિતના વિસ્તારો પર ભારે બોમ્બમારો કર્યો છે. ઈરાને આ હુમલાનો પલટવાર કરતા બહેરીનમાં આવેલા અમેરિકી સૈન્ય બેઝ પર મિસાઈલો અને ડ્રોન વડે હુમલા કર્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.
આ પણ વાંચો:Canadaમાં બિશ્નોઈ ગેંગનો મુખ્ય હેન્ડલર માર્યો ગયો, ગુરવિક્રમજીતની હત્યાની જવાબદારી લીધી રોહિત ગોદારાએ