વર્ષ 2022ના અંતમાં જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ચરમસીમા પર હતું, ત્યારે સમગ્ર વિશ્વ પરમાણુ યુદ્ધના ભયાનક મુહાને આવીને ઊભું રહી ગયું હતું. આ કપરા સમયમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વૈશ્વિક શાંતિ રક્ષક તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી. પોલેન્ડના ડેપ્યુટી વિદેશ મંત્રી વ્લાદિસ્લાવ તેઓફિલ બાર્તોશેવસ્કીએ એક સનસનીખેજ દાવો કરતા જણાવ્યું છે કે, પીએમ મોદીએ જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુક્રેનમાં વ્યૂહાત્મક (ટેક્ટિકલ) પરમાણુ હથિયારોનો ઉપયોગ કરતા રોક્યા હતા.
PM મોદીની દરેક વાત માને છે પુતિન
નવી દિલ્હીમાં યોજાયેલી ભારત-પોલેન્ડ સંયુક્ત આર્થિક આયોગની બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા પોલેન્ડના મંત્રીએ આ ખુલાસો કર્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, "રાષ્ટ્રપતિ પુતિન વિશ્વના જે ગણ્યાગાંઠ્યા નેતાઓની વાતને ખૂબ જ ગંભીરતાથી સાંભળે છે અને આદર આપે છે, તેમાં પીએમ મોદી અગ્રસ્થાન ધરાવે છે." ભારત અને રશિયા (તેમજ ભૂતપૂર્વ સોવિયત સંઘ) વચ્ચેના દાયકાઓ જૂના મજબૂત અને વિશ્વાસપાત્ર સંબંધોને કારણે જ પીએમ મોદી પુતિન પર આવો પ્રભાવ પાડી શક્યા છે.
બાર્તોશેવસ્કીએ ઉમેર્યું કે, વડાપ્રધાન મોદી એક પ્રતિષ્ઠિત અને સ્વીકૃત વૈશ્વિક નેતા છે. તેઓ પુતિન પર સકારાત્મક દબાણ લાવવાની ક્ષમતા ધરાવે છે અને આ જ ક્ષમતાના આધારે ભારતે 2022માં સંભવિત પરમાણુ વિનાશને ટાળવામાં વિશ્વની સૌથી મોટી મદદ કરી હતી.
પોલેન્ડના મંત્રીએ ભારતના વલણની પ્રશંસા કરી
આ દાવો પીએમ મોદીની શાંતિ સ્થાપવા માટેની રાજદ્વારી કોશિશોને ફરીથી વૈશ્વિક સ્તરે ચર્ચામાં લાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2022માં ઉઝબેકિસ્તાનમાં શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક દરમિયાન પીએમ મોદીએ પુતિનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "આજનો યુગ યુદ્ધનો યુગ નથી." ભારત હંમેશાથી યુદ્ધ રોકવા માટે વાતચીત અને રાજદ્વારી મધ્યસ્થતાની હિમાયત કરતું રહ્યું છે. ભારત પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા પાસેથી સસ્તું ક્રૂડ ઓઈલ ખરીદી રહ્યું છે અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ જાળવી રાખી છે, જેનું ખુદ પુતિને પણ સમર્થન કર્યું છે. પોલેન્ડના મંત્રીએ ઈરાન વિવાદ પર ભારતના વલણની પ્રશંસા કરવાની સાથે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં ભારતની કાયમી સદસ્યતાના દાવાને પણ મજબૂત ટેકો આપ્યો છે.
આ પણ વાંચો: Iran US Conflict: અમેરિકી હવાઈ હુમલાથી ઈરાનમાં 30થી વધુ લોકોના મોત, ખામનેઈ સરકારે કરી પુષ્ટિ