વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે ફિલિપાઇન્સની રાજધાની મનીલામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય મુલાકાત કરશે.આ મહત્વપૂર્ણ શિખર સંમેલનમાં ભારત અને અમેરિકા ઉપરાંત જાપાનના વડાપ્રધાન સાને તાકાઇચી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીઝ પણ ઉપસ્થિત રહેશે.સપ્ટેમ્બર 2024 પછી ક્વાડ નેતાઓનું આ પ્રથમ સંમેલન યોજાઈ રહ્યું છે જેમાં વ્યાપક મંત્રણા હાથ ધરાશે.
2024 પછી ક્વાડ નેતાઓનું આ પહેલું શિખર સંમેલન
મંગળવારે સાંજે ક્વાડ દેશોના ચારેય વડાઓની મહત્વપૂર્ણ બેઠક શરૂ થશે.સપ્ટેમ્બર 2024 પછી ક્વાડ નેતાઓનું આ પહેલું શિખર સંમેલન છે અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા બાદ આ જૂથની આ પ્રથમ બેઠક યોજાઈ રહી છે.આ બેઠકના એજન્ડામાં દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા,મહત્વપૂર્ણ ખનિજોનો અવિરત પુરવઠો અને પશ્ચિમ એશિયાની વર્તમાન પરિસ્થિતિ જેવા ગંભીર વિષયો સમાવિષ્ટ છે.ભારત સહિત ચારેય દેશો હિંદ-પ્રશાંત ક્ષેત્રમાં વેપારી જહાજોની સલામત અવરજવર અને સુરક્ષા સહયોગ પર વિશેષ ભાર મૂકશે.રસપ્રદ બાબત એ છે કે આ વખતે ક્વાડ સંમેલનનું આયોજન એવો દેશ કરી રહ્યો છે જે આ જૂથનો સભ્ય નથી.
આ બેઠક બાદ ટ્રમ્પ ચીનના શેનઝેન જશે
દક્ષિણ ચીન સાગરમાં ચીન સાથે ફિલિપાઇન્સનો લાંબા સમયથી તણાવ ચાલી રહ્યો છે,જેથી મનીલામાં ક્વાડ નેતાઓનો આ જમાવડો અત્યંત સૂચક રાજદ્વારી સંદેશ આપે છે.આ બેઠક બાદ ટ્રમ્પ ચીનના શેનઝેન જશે,જ્યાં 19 નવેમ્બરે તેમની ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પ્રથમ ત્રિપક્ષીય બેઠક યોજાવાની છે.ચીન ખાતે યોજાનારી ત્રિપક્ષીય મંત્રણામાં પરમાણુ શસ્ત્રો પર નિયંત્રણ, વૈશ્વિક સુરક્ષા અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા થવાની શક્યતા છે.બીજી તરફ સોમવારે મનીલા એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.ફિલિપાઇન્સના માહિતી અને સંચાર પ્રૌદ્યોગિકી વિભાગના સચિવ રોબર્ટ જોસેફ જે મોન્ટેસ ડી ક્લારોએ વિમાનમથકે તેમનું ઔપચારિક સ્વાગત કર્યું હતું.
બંને દેશોને નજીક લાવવાનું સરાહનીય કાર્ય
વડાપ્રધાન હોટલ પહોંચ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું અભિવાદન કર્યું હતું.આ દરમિયાન સ્થાનિક કલાકારો દ્વારા રજૂ કરાયેલા પરંપરાગત ગીત અને નૃત્ય કાર્યક્રમો પણ યોજાયા હતા.વડાપ્રધાને બંને દેશોના બાળકો દ્વારા રજૂ કરાયેલા પૂર્ણ કુંભ શ્લોકના પાઠનું રસપૂર્વક શ્રવણ કર્યું હતું. આ સાંસ્કૃતિક સમારોહમાં બોલિવૂડના ગીતો પર નૃત્ય,ઉત્સાહપૂર્ણ ભાંગડા અને રામાયણનું વિશેષ મંચન પણ કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને એક્સ પર જણાવ્યું હતું કે ભારતીય પ્રવાસીઓ પોતાની સંસ્કૃતિ સાચવવાની સાથે બંને દેશોને નજીક લાવવાનું સરાહનીય કાર્ય કરી રહ્યા છે.
આસિયાન રાષ્ટ્રો સાથે ભારતના સંબંધો
સોમવારે સાંજે વડાપ્રધાન મોદીએ ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ દ્વારા આયોજિત વિશેષ ગાલા ડિનરમાં ભાગ લીધો હતો.આ ભોજન સમારંભમાં આસિયાન સમિટમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.આ દરમિયાન પીએમ મોદી ફિલિપાઇન્સના પુરુષોના પરંપરાગત ઔપચારિક પોશાક બારોંગ તાગાલોગ'માં સજ્જ જોવા મળ્યા હતા. મનીલા રવાના થતાં પહેલાં તેમણે જણાવ્યું હતું કે આસિયાન રાષ્ટ્રો સાથે ભારતના સંબંધો એક્ટ ઈસ્ટ પોલિસીના પાયામાં છે અને તે દેશના મહાસાગર વિઝનમાં પણ કેન્દ્રીય સ્થાન ધરાવે છે.
આ પણ વાંચોઃ India News: સોનિયા ગાંધીના પુસ્તક લોન્ચિંગમાં કેપ્ટન અમરિંદરસિંઘની હાજરીથી પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ