પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીર (PoK) ના રાવલકોટ વિસ્તારમાં એકવાર ફરીથી સ્થિતિ અત્યંત ગંભીર અને હિંસક બની ગઈ છે. સ્થાનિક નાગરિકોના વિરોધ પ્રદર્શનને કચડી નાખવા માટે પાકિસ્તાની સેનાએ રહેણાંક વિસ્તારો અને નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર સીધો ગોળીબાર કરવાની સાથે ડ્રોન હુમલા પણ શરૂ કર્યા છે. ગુરુવારે સવારે આશરે ૫ વાગ્યાથી રાવલકોટના ઉમર ફારૂક ચોક ખાતે સૈન્ય દળો દ્વારા કરવામાં આવેલા આ અંધાધૂંધ હુમલામાં ઓછામાં ઓછા ૩ નાગરિકોના મોત થયા છે અને ૧૮ થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના ચોંકાવનારા અહેવાલો સામે આવ્યા છે.

PoKમાં હજારો લોકોનું જનઆંદોલન

ઘટનાસ્થળેથી સામે આવેલા વીડિયો અને તસવીરોમાં અનેક ઘરોમાં આગ લાગેલી જોઈ શકાય છે. સ્થાનિક લોકો સેના દ્વારા ઉપયોગમાં લેવાયેલા છરા અને કારતૂસના અવશેષો બતાવીને વિરોધ નોંધાવી રહ્યા છે. પ્રદર્શનકારીઓનો આરોપ છે કે જનરલ અસીમ મુનીરના નેતૃત્વ હેઠળની પાકિસ્તાની સેના જાણીજોઈને સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને પણ નિશાન બનાવી રહી છે. જૂન ૨૦૨૬ માં શરૂ થયેલા આ જનઆંદોલન બાદથી અત્યાર સુધીમાં પાકિસ્તાની દળો દ્વારા ૧૫૩ થી વધુ નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી ચૂકી છે.
https://x.com/burhan_uddin_0/status/2118209268717642093?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2118209268717642093%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ઇન્ટરનેટ કરાયું બંધ

સ્થિતિ વધુ ન બગડે તે માટે પાકિસ્તાન પ્રશાસને રાવલકોટ સહિતના આસપાસના વિસ્તારોમાં મોબાઈલ સેવાઓ અને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સંપૂર્ણપણે બંધ કરી દીધી છે, જેથી સેનાની બર્બરતાના વીડિયો બહાર ન જઈ શકે. જોકે, આ પ્રકારના દમન છતાં સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ છે અને તેઓ સેનાની ગોળીઓથી ડર્યા વગર રસ્તા પર ઉતરીને પ્રદર્શન કરી રહ્યા છે.

આ અસ્વસ્થતા પાછળ મુખ્યત્વે સ્થાનિક વસ્તીનો પાકિસ્તાન સરકાર પ્રત્યેનો વધતો અસંતોષ છે. પીઓકેના નાગરિકો માત્ર મોંઘવારી, સસ્તી વીજળી કે લોટ જેવી મૂળભૂત જરૂરિયાતો માટે જ નહીં, પરંતુ સ્થાનિક સંસાધનો પર પોતાના અધિકારો, એસેમ્બલીમાં યોગ્ય પ્રતિનિધિત્વ અને વહીવટી સ્વાયત્તતા (Autonomy) ની માંગણી કરી રહ્યા છે. આ પરિસ્થિતિએ પાકિસ્તાનની આંતરિક સુરક્ષા અને માનવાધિકારના દાવાઓ સામે મોટો સવાલ ઊભો કર્યો છે.

આ પણ વાંચોઃ UGC વિવાદિત નિયમો પર કેન્દ્ર સરકાર પુનર્વિચાર કરશે, SCમાં ખાતરી આપી સમીક્ષા સમિતિની રચના કરી