આ મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન, નેપાળ ભારતને આશરે $2 બિલિયનનું મોટું આર્થિક પેકેજ પ્રસ્તાવિત કરશે.
ભારત-નેપાળ સંબંધોને મજબૂત બનાવવા વધુ પ્રયાસ
નેપાળના પ્રધાનમંત્રી બાલેન શાહ 22 અને 23 નવેમ્બરે ભારતની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી બન્યા પછી આ તેમની પહેલી ભારત મુલાકાત હશે. આ મુલાકાત દરમિયાન, નેપાળ ભારતને 18 હજાર કરોડનું આર્થિક પેકેજ પ્રસ્તાવિત કરશે. આ પેકેજમાં પૂરગ્રસ્ત વિસ્તારોના પુનર્નિર્માણ માટે નાણાકીય સહાય, રાહત લોન અને માળખાગત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે પણ મુલાકાત કરશે.
સહાય બદલ આભાર કરાયો વ્યક્ત
બીજી તરફ, નેપાળમાં ભારતના નવા રાજદૂત સુધાકર દાલેલા 18 નવેમ્બરના રોજ કાઠમંડુમાં સિંહ દરબારમાં પ્રધાનમંત્રી બાલેન શાહને મળ્યા. પ્રધાનમંત્રી બાલેન શાહે તેમને તેમની નવી જવાબદારી બદલ અભિનંદન આપ્યા અને તેમના કાર્યકાળની સફળતાની શુભેચ્છા પાઠવી. પ્રધાનમંત્રી બાલેન શાહે નેપાળમાં રાસુવા-ભોટેકોશી પૂર બાદ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલી સહાય બદલ આભાર વ્યક્ત કર્યો. તેમણે તેમની આગામી ભારત મુલાકાત માટેની તૈયારીઓ વિશે પણ પૂછપરછ કરી હતી.
ઐતિહાસિક અને મહત્વપૂર્ણ મુલાકાત
રાજદૂત સુધાકર દાલેલાએ જણાવ્યું કે, ભારતની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે બાલેન શાહની મુલાકાત ઐતિહાસિક અને મહત્વપૂર્ણ રહેશે. તેમણે જણાવ્યું કે મુલાકાતનો એજન્ડા નક્કી થઈ ગયો છે, અને સંબંધિત એજન્સીઓ તેની સફળતા સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહી છે. બેઠકમાં ભારત અને નેપાળ વચ્ચેના ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ભૌગોલિક સંબંધોને વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી.
આ પણ વાંચોઃ ચીનના શેનઝેનમાં Donald Trump, Putin અને Xi Jinpingની ઐતિહાસિક મુલાકાત
