ડૉનાલ્ડ ટ્રમ્પ ગાઝા યુદ્ધનો અંત લાવવા માંગે છે. જ્યારે નેતન્યાહૂ પશ્ચિમ કાંઠા પર ઇઝરાયલી સાર્વભૌમત્વ વધારવા માંગે છે. ટ્રમ્પે 21-મુદ્દાની શાંતિ યોજના રજૂ કરી છે.
વાતચીતના એજન્ડા પર સૌ કોઇની નજર
ઇઝરાયલી પીએમ બેન્જામિન નેતન્યાહૂ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સોમવારે વ્હાઇટ હાઉસ ખાતે મળશે. તેમના એજન્ડા અલગ છે. અમેરિકા ગાઝા યુદ્ધનો ઝડપી અંત ઇચ્છે છે. જ્યારે નેતન્યાહૂ પશ્ચિમ કાંઠા પર ઇઝરાયલી સાર્વભૌમત્વ વધારવાની તેમની યોજનાને આગળ વધારવા માંગે છે. એક વરિષ્ઠ ઇઝરાયલી અધિકારીએ જણાવ્યું હતું કે, નેતન્યાહૂ આ બેઠકમાં પશ્ચિમ કાંઠાને જોડવાનો મુદ્દો ઉઠાવશે. જોકે, ટ્રમ્પે પહેલાથી જ કહ્યું છે કે, તેઓ પશ્ચિમ કાંઠાના ઇઝરાયલી જોડાણને મંજૂરી આપશે નહીં.
Also Read
દબાણ લાવવા માટે કટોકટીની મુલાકાત
ઇઝરાયલની યેશા કાઉન્સિલના નેતાઓ પણ યુએસ પહોંચ્યા છે. તેઓ કહે છે કે આ ટ્રમ્પ પર દબાણ લાવવા માટે એક કટોકટીની મુલાકાત છે. દરમિયાન નેતન્યાહૂ કહે છે કે તેઓ ગાઝા યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે તેમની યોજનાની સંપૂર્ણ વિગતો આપી નથી. ફક્ત એટલું જ કહ્યું છે કે બંધકોને ઘરે પાછા ફરવા જોઈએ અને હમાસને તોડી પાડવું જોઈએ. નેતન્યાહૂએ સીરિયા માટે એક યોજનાનો પણ ઉલ્લેખ કર્યો હતો. જે સીરિયાના દક્ષિણ ભાગને શસ્ત્રોથી મુક્ત કરશે અને ઇઝરાયલની સરહદને સુરક્ષિત કરવા અને ત્યાં રહેતા ડ્રુઝ સમુદાયને સુરક્ષા પૂરી પાડવા માટે "બફર ઝોન" બનાવશે.
સકારાત્મક શાંતિ કરાર
સોમવારની બેઠક પહેલા ડૉનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું હતું કે, યુદ્ધ સમાપ્ત કરવા માટે વાટાઘાટો ચાર દિવસથી ચાલી રહી છે. જેમાં નેતન્યાહૂ અને હમાસ બંને અને સમગ્ર પ્રદેશના દેશોનો સમાવેશ થાય છે. ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે સકારાત્મક શાંતિ કરાર થઈ શકે છે. જોકે, હમાસે જણાવ્યું હતું કે ટ્રમ્પ તરફથી કોઈ ઔપચારિક શાંતિ અથવા બંધક કરાર યોજનાને મંજૂરી આપવામાં આવી નથી.













