અમેરિકાએ ભારત સામે દબાણ વધારવા માટે 50 ટકા ટેરિફ લાદ્યો છે. હવે ઓસ્ટ્રેલિયાએ આ અંગે સ્પષ્ટતા કરી છે અને જણાવ્યુ છે કે, તે ભારતને મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર માને છે. ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે કહ્યુ હતુ કે, તેમની સરકાર ટેરિફને સમર્થન આપતી નથી.
પેની વોંગે શું કરી સ્પષ્ટતા ?
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે ભારતને વિશ્વસનીય ભાગીદાર ગણાવ્યું અને કહ્યું છે કે તેમની સરકાર ટેરિફનો વિરોધ કરે છે. તેમણે ક્વાડના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમણે ચીન પર સંતુલિત વલણ દર્શાવ્યું અને ભારતીય વિદ્યાર્થીઓને સમર્થન આપવાની ખાતરી આપી હતી. પેની વોંગે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલા ટેરિફ પર સીધી ટિપ્પણી કરવાનું ટાળ્યું હતુ. પેની વોંગે સ્પષ્ટતા કરી હતી કે, ક્વાડ-ભારત, ઓસ્ટ્રેલિયા, અમેરિકા અને જાપાનનું જોડાણ ફક્ત એક નામ નથી. પરંતુ તેનો આધાર સહિયારા ઉદ્દેશ્યો છે.
દ્વિપક્ષીય સંબંધોમાં ઉતાર-ચઢાવ
ઓસ્ટ્રેલિયાના વિદેશ મંત્રી પેની વોંગે કહ્યું હતુ કે, અમે ક્વાડના મજબૂત સમર્થક છીએ અને દ્વિપક્ષીય સંબંધોમાં ઉતાર-ચઢાવ હોવા છતાં આપણે હંમેશા યાદ રાખવું જોઈએ કે આપણા સહિયારા ધ્યેયો શું છે. એક શાંતિપૂર્ણ, સ્થિર અને સમૃદ્ધ પ્રદેશ, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં સુધારો થવા વિશે પૂછવામાં આવતા, તેમણે સ્પષ્ટપણે કહ્યું કે ચીન એક મોટી શક્તિ છે અને તે એક મોટી શક્તિની જેમ તેના હિતોનું ધ્યાન રાખે છે. તેમણે કહ્યું હતુ કે, ઓસ્ટ્રેલિયા કેટલીક બાબતો પર સંમત થશે. અન્ય બાબતો પર નહીં. પરંતુ પરિપક્વ સંબંધ એ છે કે આપણે સહકાર આપીએ અને આપણી અસંમતિ પણ વ્યક્ત કરીએ.
ઓસ્ટ્રેલિયાની ભૂમિકા મહત્વપૂર્ણ
ઓસ્ટ્રેલિયાના મંત્રીએ એમ પણ કહ્યું કે, તેઓ સૌથી વધુ વિદેશ મંત્રી એસ. જયશંકરને મળ્યા છે. તેમણે કહ્યું હતુ કે, આ અમારી પ્રાથમિકતા દર્શાવે છે. આપણે એવા સમયગાળામાં છીએ જ્યાં વૈશ્વિક અને પ્રાદેશિક વ્યવસ્થા બદલાઈ રહી છે. આવી સ્થિતિમાં, ભારત અને ઓસ્ટ્રેલિયાની ભૂમિકા મહત્વપૂર્ણ છે અને અમે તેને સાથે મળીને આકાર આપવા માંગીએ છીએ. ભારતીય વિદ્યાર્થીઓના વિઝા વિશે તેમણે શું કહ્યું? ઓસ્ટ્રેલિયામાં અભ્યાસ માટે જતા ભારતના વિદ્યાર્થીઓ માટે વધેલી વિઝા ફી અંગે વોંગે કહ્યું કે આ સુધારો શિક્ષણની ગુણવત્તા વધારવા અને કોવિડ પછી પ્રવેશમાં અચાનક થયેલા વધારાને સ્થિર કરવા માટે છે. તેમણે ખાતરી આપી કે, અમે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું સ્વાગત કરવાનું ચાલુ રાખીશું. ભારતીય વિદ્યાર્થીઓ અમારા સંબંધોમાં એક મજબૂત કડી છે.













