જગત જમાદાર અમેરિકા ભલે પોતાને ભારતનો મિત્ર દેશ કહેતું હોય પણ અંદર ખાને ટ્રમ્પ ભારતના વિકાસ રથને જોઈને ચોક્કસથી ઈર્ષ્યા ભાવ રાખી રહ્યા છે જે સ્પષ્ટ રીતે દેખાઈ પણ રહ્યું છે. ભારત પર 50 ટકા સુધી ટેરિફ લાદયા બાદ હવે રહી રહીને અમેરિકાની શાન ઠેકાણે આવી હોય એમ અમેરિકાનું વલણ બદલાયુ લાગે છે.
ભારતનું મૌન હવે ટ્રમ્પને કરે છે પરેશાન
ટ્રમ્પ સરકાર દ્વારા ભારત પર લાદવામાં આવેલ 50 ટકા ટેરિફ પછી પણ ભારત તરફથી કોઈ જાતની પ્રતિક્રિયા અમેરિકા તરફ કે ટ્રમ્પની નીતિઓ તરફ આપવામાં આવી ન હતી ત્યારે હવે આ ટેરિફના વિવાદ વચ્ચે ભારતનું મૌન હવે ટ્રમ્પને પરેશાન કરી રહ્યું હોય એવું ચિત્ર હાલ સામે દેખાઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતની કૂટનીતિઓ વિશે આખુ વિશ્વ હાલ પરિચિત છે અને આ વાત ટ્રમ્પને પણ સમજાઈ ગઈ હોય એવું લાગેછે. આ જ કારણ છે કે ટ્રમ્પ તરફથી આ ટેરિફ વિવાદ પર ફરી એકવાર વાતચીતનો સંકેત આપવામાં આવ્યો છે.
અમેરિકા ઇચ્છે છે કે ભારત વાટાઘાટો કરે
ટેરિફ વિવાદ એ હદ સુધી વણસી ગયો છે કે ભારત સરકાર તરફથી આ બાબતે ભલે કોઈ નિવેદન આપવામાં ન આવ્યું હોય પણ બંને દેશ વચ્ચે હવે ખૂબ કડવાશ આવી ગઈ છે. પરંતુ હવે આખી વાર્તામાં એક નાટ્યાત્મક વળાંક આવ્યો હોય એવું લાગે છે. ટેરિફ વિવાદને ટાળવા માટે હવે અમેરિકા ઇચ્છે છે કે ભારત આ સમગ્ર મુદ્દા પર વાટાઘાટો કરે અને સૂત્રો તરફથી વાત ત્યાં સુધીની સામે આવી રહી છે કે અમેરિકા આ મુદ્દા પર ભારત સરકારના ઉચ્ચ સ્તર સાથે ફરી વાતચીત શરૂ કરવા માંગે છે.
વાતચીત કરવાં સંકેતો મોકલાયા
અમેરિકાએ 27 ઓગસ્ટથી ભારત પર 50 ટકા ટેરિફ લાદવાનું શરૂ કર્યું છે. ભારત સરકારે મૌન ધારણ કરીને અમેરિકા તરફ જે કડક વલણ દેખાડયું છે એ જોતાં યુએસ વહીવટીતંત્ર તરફથી વાતચીત કરવા અંગેના સંકેતો મોકલ્યા છે. વિવેચકો તરફથી ભારત વિરોધી નિવેદનોને દબાણ વ્યૂહરચનાનો એક ભાગ ગણાવવામાં આવ્યા છે. જો વાતચીત શરૂ ન થાય તો અમેરિકાએ ભારત સાથે સંબંધિત અન્ય ક્ષેત્રોમાં કાર્યવાહી કરવાની ગર્ભિત ધમકી પણ આપી છે.અમેરિકા કોઈપણ સંજોગોમાં ભારતને પોતાનાથી અલગ કરવા માંગતું નથી અને આ જ કારણ છે કે ફરીથી વાતચીતના સંકેતો આપવામાં આવ્યા છે.
રશિયા સાથેના સંબંધથી ટ્રમ્પ નારાજ
સમગ્ર વિશ્વ જાણે છે કે ભારત અને રશિયા વર્ષો જુના મિત્ર દેશો છે. ભારત તેના તેલ ભંડારનો લગભગ 40 ટકા ભાગ રશિયા પાસેથી ખરીદે છે, અને આજ વાતથી ટ્રમ્પ ભારત સરકાર સામે સતત તેની નારજગી દેખાડે છે. પહેલા પણ ટ્રમ્પે રશિયા પાસેથી ખરીદી બંધ કરવાનું કહ્યું હતું. જોકે, ભારતે ટ્રમ્પની આ વાતને સ્પષ્ટ રીતે નકારીને રશિયા પાસેથી ખરીદી ચાલુ રાખી અને આ બાબતથી નારાજ થઈને ટ્રમ્પે ભારત પર વધારાનો 50 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી. જો કે ભારતની કૂટનીતિ સામે અમેરિકા હવે ઢીલું પડ્યું છે અને ચર્ચા કરવા માટે સંકેતો આપી રહ્યું છે.













