18 નવેમ્બર એટલે કે બુધવારે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન APEC શિખર સંમેલન માટે ચીનની ધરતી પર પહોંચ્યા, ત્યારે તેમની સાથે સુરક્ષા અને લશ્કરી અધિકારીઓની ટીમ પણ આવી હતી. આ ટીમના એક અધિકારીના હાથમાં રહેલા કાળા રંગના બ્રીફકેસે સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ કોઈ સામાન્ય બ્રીફકેસ નથી, પરંતુ પુતિનના લશ્કરી સંદેશાવ્યવહારનું અત્યંત મહત્ત્વનું સાધન છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ પાસે પણ આવી જ બ્રીફકેસ હોય છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની આ મુલાકાત દરમિયાન અત્યાર સુધી તે કેમેરાની નજરથી દૂર જોવા મળી છે.

પુતિન સાથે આવેલા એક સહયોગીએ જણાવ્યું હતું કે આ બ્રીફકેસનો ઉપયોગ રશિયાની વ્યૂહાત્મક પરમાણુ શક્તિઓને નિયંત્રિત કરવા માટે થાય છે. તેનું નામ 'ચેગેટ' (Cheget) છે. રશિયાના રાષ્ટ્રપતિ વિદેશ પ્રવાસે હોય ત્યારે પણ આ બ્રીફકેસ દ્વારા સુરક્ષિત લશ્કરી સંદેશાવ્યવહાર શક્ય બને છે.

સોવિયેત યુગમાં વિકસાવવામાં આવેલા આ ઉપકરણનું નામ કાકેશસ પર્વતમાળાના 'માઉન્ટ ચેગેટ' પરથી રાખવામાં આવ્યું છે. તે રશિયાની પરમાણુ કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમનો એક ભાગ છે.

કટોકટીના સમયે આ ઉપકરણ દ્વારા વરિષ્ઠ અધિકારીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે અને પરમાણુ હથિયારોના ઉપયોગ માટે આદેશ મોકલી શકે છે. આ આદેશોનો અમલ કરવાની જવાબદારી લશ્કરી કમાન્ડ એકમોની હોય છે.

બ્રીફકેસની અંદર શું હોય છે?

અમેરિકાની નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલના એક અભ્યાસ અનુસાર, 'ચેગેટ' એક પોર્ટેબલ ઉપકરણ છે, જેનો ઉપયોગ પરમાણુ હથિયારોના ઉપયોગ સંબંધિત આદેશો આપવા માટે થાય છે.

જાહેર થયેલા વીડિયોમાં તેના જૂના હાર્ડવેરની એક ઝલક જોવા મળે છે. વર્ષ 2019માં રશિયાના લશ્કરી પ્રસારણકર્તા 'ઝ્વેઝદા'એ એક ખુલ્લો બ્રીફકેસ બતાવ્યો હતો. તેમાં નંબરવાળી ચાવી, સફેદ રંગનું 'લોન્ચ' બટન અને લાલ રંગનું 'કેન્સલ' બટન જોવા મળ્યું હતું.

કાર્યક્રમના પ્રસ્તુતકર્તાએ એક ફ્લેશ કાર્ડને પણ આ ઉપકરણની ચાવીઓમાંથી એક ગણાવ્યું હતું. જોકે, આ પ્રદર્શન જૂના મોડલનું હતું. તેથી પુતિન પાસે હાલમાં જે બ્રીફકેસ છે તેની રચના પણ આવી જ છે કે નહીં તે નિશ્ચિતપણે કહી શકાય તેમ નથી.

જાહેર સંશોધન મુજબ, રશિયાના સંરક્ષણ મંત્રી અને જનરલ સ્ટાફના વડા પાસે પણ આ સિસ્ટમ સાથે જોડાયેલા ટર્મિનલ હોય છે. જોકે, તેમની ચોક્કસ ભૂમિકા અને તેમને મળેલા અધિકારો ગુપ્ત રાખવામાં આવ્યા છે.

પુતિન સાથે અગાઉ પણ જોવા મળ્યો છે આ બ્રીફકેસ

18 ઓક્ટોબર 2023ના રોજ જ્યારે પુતિન બીજિંગ ગયા હતા, ત્યારે પણ આ બ્રીફકેસ તેમની સાથે જોવા મળ્યો હતો. રોયટર્સના અહેવાલ અનુસાર, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેની બેઠક બાદ પુતિન જ્યારે એક બેઠકમાંથી બીજી બેઠક તરફ જઈ રહ્યા હતા, ત્યારે રશિયન લશ્કરી ગણવેશમાં સજ્જ બે અધિકારીઓ બ્રીફકેસ લઈને તેમની પાછળ ચાલતા જોવા મળ્યા હતા. તે સમયે કેમેરાએ એક બ્રીફકેસ પર ઝૂમ પણ કર્યું હતું.

રશિયાની સરકારી સમાચાર એજન્સી RIAના ક્રેમલિન સંવાદદાતાઓએ આ વીડિયો સાથે લખ્યું હતું કે, 'કેટલાક એવા બ્રીફકેસ હોય છે, જેના વિના પુતિનની કોઈપણ યાત્રા પૂર્ણ થતી નથી.'

રાષ્ટ્રપતિ પદના હસ્તાંતરણ દરમિયાન પણ આ ઉપકરણ ચર્ચામાં રહ્યું હતું. ઐતિહાસિક તસવીરોમાં ડિસેમ્બર 1999માં પુતિનને બોરિસ યેલ્તસિન પાસેથી અને મે 2012માં દિમિત્રી મેદવેદેવ પાસેથી આ બ્રીફકેસ પાછો મેળવતા જોઈ શકાય છે.

આ અહેવાલ એવા સમયે સામે આવ્યો છે જ્યારે પુતિન, ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ શેનઝેનમાં એકઠા થઈ રહ્યા છે. ગુરુવારે તેમની વચ્ચે ઔપચારિક ત્રિપક્ષીય વાતચીત થવાની છે. આ બેઠકમાં પરમાણુ હથિયારોના નિયંત્રણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. રાષ્ટ્રપતિની વિદેશ યાત્રા દરમિયાન પણ 'ચેગેટ' દ્વારા પરમાણુ કમાન્ડ નેટવર્ક સાથે જોડાણ જળવાઈ રહે છે.

પુતિનના બ્રીફકેસ વિશે વધુ જાણો

રશિયાની પરમાણુ બ્રીફકેસ સિસ્ટમ 1980ના દાયકામાં વિકસાવવામાં આવી હતી. 1985માં સોવિયેત સંઘના અંતિમ રાષ્ટ્રપતિ મિખાઇલ ગોર્બાચોવે કાર્યભાર સંભાળ્યો ત્યારે તેને સત્તાવાર રીતે કાર્યરત કરવામાં આવી હતી. કાકેશસ પર્વતમાળામાં આવેલા 'માઉન્ટ ચેગેટ'ના નામ પરથી તેનું નામ 'ચેગેટ' રાખવામાં આવ્યું છે.

સામાન્ય રીતે રશિયન નૌકાદળનો એક અધિકારી આ બ્રીફકેસ હંમેશાં રાષ્ટ્રપતિની સાથે લઈને ચાલે છે. જોકે, આ ઉપકરણ ભાગ્યે જ કેમેરામાં કેદ થયું છે. આવા જ અન્ય બે બ્રીફકેસ રશિયાના સંરક્ષણ મંત્રી અને જનરલ સ્ટાફના વડા પાસે પણ હોય છે. આ સિસ્ટમ વિકસાવવામાં મદદ કરનાર વેલેન્ટિન ગોલુબકોવે જણાવ્યું હતું કે તેનો મુખ્ય હેતુ રાષ્ટ્રપતિ અને દેશના ટોચના લશ્કરી નેતાઓ વચ્ચે સુરક્ષિત સંદેશાવ્યવહારનું નેટવર્ક ઊભું કરવાનો હતો.

તેમણે 2014માં 'કોમસોમોલ્સ્કાયા પ્રવદા' અખબારને જણાવ્યું હતું કે, "તેનો હેતુ અમારી મોટી મિસાઇલ અને પરમાણુ શક્તિઓને એકસાથે જોડવાનો હતો." તે સમયે અમેરિકા યુરોપમાં પોતાની મિસાઇલો તૈનાત કરી રહ્યું હતું, જે સોવિયેત સંઘ સુધી પહોંચવામાં માત્ર પાંચ મિનિટનો સમય લઈ શકે તેવી હતી.

તે દરમિયાન રશિયાનો જનરલ સ્ટાફ પણ તાલીમ લઈ રહ્યો હતો અને વળતા હુમલાની તૈયારીઓનો અભ્યાસ કરી રહ્યો હતો. ગોલુબકોવે જણાવ્યું હતું કે પરવાનગી વિના પરમાણુ મિસાઇલનું પ્રક્ષેપણ ન થાય તે રોકવું પણ આ સિસ્ટમ વિકસાવવાનું એક મહત્ત્વનું કારણ હતું. તેમણે કહ્યું હતું કે આટલા ઓછા સમયમાં જ વળતા હુમલા માટે મંજૂરી લેવી જરૂરી બને છે.

પરમાણુ હથિયારોના ઉપયોગનો આદેશ રાષ્ટ્રપતિ આપે છે. આ પ્રક્રિયાનું સંકલન સંરક્ષણ મંત્રી અને જનરલ સ્ટાફના વડા પાસે રહેલા પરમાણુ બ્રીફકેસ દ્વારા કરવામાં આવે છે.

https://x.com/nexta_tv/status/2123052140704727359?a=i_JNC0M0_jxDWoravgk&s=20


ખરેખરમાં આ બ્રીફકેસ કોણ લઈને ફરે છે?

ડિસેમ્બર 2025માં રશિયાની સ્વતંત્ર તપાસ સંસ્થા 'ધ ડોઝિયર સેન્ટર'એ પોતાના અહેવાલમાં જણાવ્યું હતું કે 'સ્પેશિયલ સર્વિસ ફોર સ્ટ્રેટેજિક કમ્યુનિકેશન્સ' એટલે કે 'સર્વિસ K'ના અધિકારીઓ આ બ્રીફકેસ લઈને ફરે છે.

સંસ્થાના જણાવ્યા અનુસાર, 2021થી 2025 દરમિયાન ઓછામાં ઓછા 53 લોકો 'સર્વિસ K' સાથે જોડાયેલા હતા. તેમાં એક જનરલ, ડઝનબંધ કર્નલ અને નૌકાદળના અનેક કેપ્ટનનો સમાવેશ થાય છે. આ અધિકારીઓને અન્ય કોન્ટ્રાક્ટ અધિકારીઓ જેટલો જ પગાર મળે છે.

'એક અહેવાલમાં જણાવાયું હતું કે, "તેમના કામની સંવેદનશીલતા હોવા છતાં, આમાંથી ઘણા અધિકારીઓ સામાન્ય જીવન જીવે છે અને મોટાભાગે મોસ્કોની બહાર આવેલા એક પ્રતિબંધિત શહેરમાં રહે છે."

આ પણ વાંચો:D-Companyનો ગઢ હતો આ વિસ્તાર! જ્યાંથી દાઉદે ગુનાખોરીનું સામ્રાજ્ય ઊભું કર્યું, ત્યાં ચાલ્યું BMCનું બુલડોઝર