આધુનિક કતારના નિર્માતા અને દેશના ભૂતપૂર્વ અમીર શેખ હમાદ બિન ખલીફા અલ થાનીનું 12 જુલાઈના રોજ 74 વર્ષની વયે નિધન થયું છે. કતારના અમીરી દિવાને આ દુઃખદ સમાચારની સત્તાવાર જાહેરાત કરી છે. તેમના નિધનથી માત્ર કતાર જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વના રાજદ્વારી વર્તુળોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

પીએમ મોદીની સંવેદના

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપતા પીએમ મોદીએ લખ્યું કે, "તેઓ એક સ્વપ્નદ્રષ્ટા નેતા હતા જેમણે કતારને વિકાસ અને સમૃદ્ધિના શિખરો પર પહોંચાડ્યું. ફેબ્રુઆરી ૨૦૨૪ની મારી મુલાકાત દરમિયાન તેમને મળવું એ મારા માટે એક લહાવો હતો. તેઓ ભારતના સાચા મિત્ર હતા."
https://twitter.com/narendramodi/status/2076196183320772661

રાજકીય અને આર્થિક સફર

શેખ હમાદ બિન ખલીફા અલ થાનીએ જૂન ૧૯૯૫માં સત્તા સંભાળી હતી અને જૂન 2013 માં સ્વેચ્છાએ પોતાના પુત્ર અને વર્તમાન અમીર શેખ તમિમ બિન હમાદ અલ થાનીને સત્તા સોંપી હતી. ઇંગ્લેન્ડની સેન્ડહર્સ્ટ મિલિટરી એકેડેમીમાંથી તાલીમ પામેલા શેખ હમાદની દૂરંદેશીને કારણે કતારનું કાયાપલટ થયું હતું. નોર્થ ફિલ્ડ ગેસ રિઝર્વના વિકાસ દ્વારા તેમણે કતારને વિશ્વના સૌથી મોટા LNG નિકાસકારો પૈકીના એક બનાવ્યું, જેના કારણે કતારની માથાદીઠ આવક વિશ્વમાં સર્વોચ્ચ સ્તરે પહોંચી.

વૈશ્વિક મંચ પર નવી ઓળખ

શેખ હમાદના નેતૃત્વમાં કતારે આર્થિક પ્રગતિની સાથે સાથે મીડિયા અને રમતગમતના ક્ષેત્રે પણ મોટી છલાંગ લગાવી હતી. ૧૯૯૬માં શરૂ કરવામાં આવેલી 'અલ જઝીરા' ન્યૂઝ ચેનલે કતારને વૈશ્વિક પ્રભાવશાળી દેશ બનાવ્યો. આ ઉપરાંત, ૨૦૨૨માં ફિફા વર્લ્ડ કપનું સફળ આયોજન કરીને તેમણે કતારને વિશ્વના રમતગમતના નકશા પર અગ્રણી સ્થાન અપાવ્યું હતું. વિદેશ નીતિમાં પણ તેમણે અનેક આંતરરાષ્ટ્રીય વિવાદોમાં મધ્યસ્થી કરીને કતારને વૈશ્વિક રાજદ્વારી કેન્દ્ર તરીકે સ્થાપિત કર્યું હતું.

આ પણ વાંચોઃ ઓમાન તટ પાસે કોર્મશિયલ શિપ પર હુમલો, 11 ભારતીયો હતા સવાર