પાકિસ્તાનના પૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તર આ દિવસોમાં ભારે આઘાતમાં છે, કારણ કે તાજેતરમાં જ તેમના મોટા ભાઈ શાહિદ અખ્તરનું અવસાન થયું છે. ઇસ્લામાબાદના H-8 કબ્રસ્તાનમાં તેમના અંતિમ સંસ્કાર (નમાઝ-એ-જનાજા) કરવામાં આવ્યા હતા. જો કે, આ જનાજાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મોટો આંતરરાષ્ટ્રીય વિવાદ ઉભો થયો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે શોએબ અખ્તરના ભાઈના જનાજામાં ભારતના મોસ્ટ વોન્ટેડ અને પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) ના ટોચના આતંકીઓ ખુલ્લેઆમ ફરતા જોવા મળ્યા હતા.
પહલગામ હુમલાનો માસ્ટરમાઇન્ડ હાજર
અહેવાલો અનુસાર, જનાજામાં લશ્કર-એ-તૈયબાના સ્થાપક આતંકી હાફિઝ સઈદનો પુત્ર તલ્હા સઈદ અને લશ્કરનો ડેપ્યુટી ચીફ સૈફુલ્લા કસુરી પણ હાજર હતા. સૈફુલ્લા કસુરી એ જ આતંકવાદી છે જેને ભારતમાં એપ્રિલ ૨2025માં થયેલા ભયાનક પહલગામ આતંકવાદી હુમલાનો માસ્ટરમાઇન્ડ માનવામાં આવે છે, જેમાં 25 પ્રવાસીઓએ જીવ ગુમાવ્યા હતા. આ હુમલા બાદ જ ભારતે 'ઓપરેશન સિંદૂર' ચલાવીને મુરીદકેમાં આવેલા લશ્કરના હેડક્વાર્ટરને તબાહ કરી દીધું હતું. આ સિવાય લશ્કરના રાજકીય મોરચા 'પાકિસ્તાન મરકઝી મુસ્લિમ લીગ' (PMML) ના પ્રમુખ ઇનામ-ઉર-રેહમાન પણ આ જનાજામાં હાજર રહ્યા હતા.
પાકિસ્તાનનો 'ટેરર લવ' ફરી બેનકાબ
આ હાઈ-પ્રોફાઈલ જનાજામાં પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીના સ્પીકર સરદાર અયાઝ સાદિક પણ શોએબ અખ્તરના ઘરે શોક વ્યક્ત કરવા પહોંચ્યા હતા. એક તરફ પાકિસ્તાન સરકારના ટોચના હોદ્દેદારો અને બીજી તરફ વૈશ્વિક સ્તરે પ્રતિબંધિત આતંકવાદીઓની એક જ સ્થળે હાજરીએ પાકિસ્તાનની બેવડી નીતિને ફરી એકવાર દુનિયા સામે નગ્ન કરી દીધી છે. આ ઘટના સાબિત કરે છે કે પાકિસ્તાનમાં ભારત વિરોધી આતંકવાદીઓ આજે પણ કોઈ પણ ડર વગર ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને તેમને સરકારી સંરક્ષણ મળી રહ્યું છે.
કસુરી અગાઉ પણ આપી ચૂક્યો છે ધમકીઓ
લશ્કરનો આતંકી સૈફુલ્લા કસુરી પાકિસ્તાની આર્મી સાથે પોતાના ગાઢ સંબંધો હોવાનો ખુલ્લેઆમ સ્વીકાર કરી ચૂક્યો છે. ભૂતકાળમાં તેના કેટલાક વીડિયો સામે આવ્યા હતા જેમાં તે ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત કરવાના લીધેલા નિર્ણયને 'વોટર ટેરરિઝમ' ગણાવી ભારતને મુંબઈ જેવા દરિયાઈ માર્ગે હુમલા કરવાની ધમકી આપતો જોવા મળ્યો હતો. ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીના કૌટુંબિક કાર્યક્રમમાં આવા ખૂનખાર આતંકીઓની હાજરીથી રમતગમત અને આતંકવાદના કનેક્શનને લઈને સોશિયલ મીડિયા પર લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.
આ પણ વાંચો:Venezuelaમાં કુદરતનો પ્રકોપ,2 મોટા ભૂકંપમાં 900થી વધુના મોત બાદ ફરી ધ્રૂજી ધરતી, લોકોમાં ભારે દહેશત!