દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતનો બેહદ કાળમુખો પ્રકોપ જોવા મળી રહ્યો છે. બે શક્તિશાળી ભૂકંપના કારણે સર્જાયેલી ભારે તબાહી અને 900થી વધુ લોકોના ભયાનક મોતની ઘટનાના હજુ બે જ દિવસ થયા છે ત્યાં શુક્રવારે ફરી એકવાર વેનેઝુએલાની ધરતી જોરદાર રીતે ધ્રૂજી ઉઠી છે. ઉત્તરી તટ પાસે આવેલા 4.9 ની તીવ્રતાના આ નવા ભૂકંપના ઝટકાના કારણે રાજધાની કારાકાસ અને મારાકે સહિતના શહેરોમાં લોકોમાં ભારે અફરાતફરી અને દહેશતનો માહોલ ફેલાઈ ગયો છે. આ નવા ઝટકાને કારણે કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી રહેલી બચાવ ટુકડીઓને પણ સુરક્ષાના કારણોસર થોડીવાર માટે ઓપરેશન રોકવું પડ્યું હતું.


બેક-ટુ-બેક બે ભૂકંપે સર્જી હતી તબાહી

આ અગાઉ બુધવારે સાંજે વેનેઝુએલામાં એક પછી એક 7.2 અને 7.5 ની તીવ્રતાના બે અત્યંત વિનાશક ભૂકંપ આવ્યા હતા. આ ધરતીકંપ એટલો શક્તિશાળી હતો કે મોટી-મોટી રહેણાંક ઇમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી અને આખેઆખા વિસ્તારો કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયા હતા. સરકારી આંકડાઓ અનુસાર, આ આપત્તિમાં અત્યાર સુધીમાં 920 થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે 3,360 થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. હજુ પણ 172 થી વધુ લોકો કાટમાળ નીચે દબાયેલા હોવાની આશંકા છે અને 50,000 થી વધુ લોકો ગુમ હોવાનું કહેવાય છે.

રાહત અને બચાવ કામગીરીમાં નડતર

સ્થાનિક વહીવટીતંત્ર, વોલન્ટીયર્સ અને પીડિત પરિવારો પોતાના હાથે કંક્રીટ અને લોખંડના સળિયા હટાવીને કાટમાળ નીચે જીવતા દબાયેલા લોકોને શોધવા માટે દિવસ-રાત મહેનત કરી રહ્યા છે. જો કે, તૂટેલા રસ્તાઓ, ભારે મશીનરીની અછત અને વારંવાર આવી રહેલા આફ્ટરશોક્સ (ભૂકંપના નવા ઝટકા) ના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. હોસ્પિટલો ઇજાગ્રસ્તોથી ઉભરાઈ રહી છે અને હજારો બેઘર બનેલા પરિવારોને અસ્થાયી રાહત શિબિરોમાં રાખવામાં આવ્યા છે.

અબજો ડોલરનું નુકસાન

સંયુક્ત રાષ્ટ્ર (UN) ના પ્રારંભિક અંદાજ મુજબ આ ભયાનક આપત્તિના કારણે વેનેઝુએલાને આશરે 6.7 અબજ ડોલરનું આર્થિક નુકસાન થયું છે. આ આપત્તિને વેનેઝુએલાના ઇતિહાસની ગત કેટલાક દાયકાઓની સૌથી મોટી અને ભયાનક કુદરતી આપત્તિ માનવામાં આવી રહી છે. આપત્તિની આ ઘડીમાં ભારત સહિત અન્ય દેશો પણ વેનેઝુએલાની મદદ માટે આગળ આવ્યા છે અને રાહત સામગ્રી મોકલવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંચો:Netherlandમાં પહેલીવાર 12 વર્ષથી નાની ઉંમરના માસૂમ બાળકને અપાઈ ‘ઈચ્છામૃત્યુ’, ડૉક્ટર સામે થશે તપાસ!

  • Follow us on: