નેધરલેન્ડમાંથી એક અત્યંત સંવેદનશીલ અને ઐતિહાસિક કિસ્સો સામે આવ્યો છે. દેશમાં વર્ષ 2024માં કાયદો બદલાયા પછી, ઇતિહાસમાં પહેલીવાર 12 વર્ષથી ઓછી ઉંમરના એક માસૂમ બાળકને કાયદેસર રીતે ઈચ્છામૃત્યુ (યુથેનેશિયા) આપવામાં આવી છે. આ બાળક એક અસાધ્ય અને જીવલેણ બીમારીથી પીડિત હતું અને અસહ્ય પીડા ભોગવી રહ્યું હતું. આ ઘટના બાદ હવે સરકારી વકીલો (પબ્લિક પ્રોસિક્યુટર) એ બાબતની તપાસ કરશે કે પ્રક્રિયા હાથ ધરનાર ડૉક્ટરે તમામ કાયદાકીય નિયમોનું પાલન કર્યું છે કે નહીં.


સ્વાસ્થ્ય મંત્રીએ સંસદમાં આપી માહિતી

નેધરલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી સોફી હરમન્સે સંસદમાં સરકારનો વાર્ષિક અહેવાલ રજૂ કરતી વખતે આ ચોંકાવનારી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે, આ બાળકે ગત વર્ષે ઈચ્છામૃત્યુ દ્વારા દુનિયામાંથી વિદાય લીધી હતી. જો કે, પ્રાઈવસી અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને મંત્રીએ બાળકની ઉંમર, તેની ઓળખ કે તે કઈ બીમારીથી પીડિત હતું તેની કોઈ વિગતો જાહેર કરી નથી. તેમણે ઉમેર્યું કે સરકારી વકીલો આ કેસની ઝીણવટભરી તપાસ કરી રહ્યા છે.

2024માં બદલાયો હતો કાયદો

નેધરલેન્ડ સરકારે વર્ષ 2024માં પોતાના ઈચ્છામૃત્યુના કાયદામાં મોટો ફેરફાર કર્યો હતો. આ નવા નિયમ અંતર્ગત 1 થી 12 વર્ષની ઉંમરના એવા બાળકોને પણ ઈચ્છામૃત્યુ આપવાની મંજૂરી આપવામાં આવી, જેઓ એવી અસાધ્ય બીમારીથી પીડાતા હોય જેમાં સાજા થવાની કોઈ આશા ન હોય અને દર્દ અસહ્ય હોય. સરકારે સ્પષ્ટ કર્યું છે કે માત્ર ‘જીવન જીવવાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે’ તેવા આધારે બાળકોને આ મંજૂરી મળી શકે નહીં, તેના માટે સખત તબીબી કારણો અનિવાર્ય છે.

ડૉક્ટરો માટેના કડક નિયમો

કાયદા અનુસાર, ડૉક્ટરો સીધેસીધું આ પગલું ભરી શકતા નથી. તેમણે સાબિત કરવું પડે છે કે દર્દીની પીડા અસહ્ય છે અને સારવારનો અન્ય કોઈ વિકલ્પ બચ્યો નથી. આ સિવાય અન્ય એક સ્વતંત્ર ડૉક્ટરનો અભિપ્રાય લેવો પણ ફરજિયાત છે. 12 વર્ષથી નાની ઉંમરના બાળકના કિસ્સામાં માતા-પિતા અથવા કાયદેસરના વાલીની લેખિત સંમતિ સૌથી મહત્વપૂર્ણ છે. જો કોઈ ડૉક્ટર આ નિયમોનું ઉલ્લંઘન કરીને ઈચ્છામૃત્યુ આપે, તો તેમને 12 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

ઈચ્છામૃત્યુ આપનારો પ્રથમ દેશ

નોંધનીય છે કે, નેધરલેન્ડ વર્ષ 2002માં ઈચ્છામૃત્યુને કાયદેસરની માન્યતા આપનારો વિશ્વનો સૌથી પહેલો દેશ બન્યો હતો. અગાઉ અહીં 1 વર્ષથી નાના શિશુઓ અને 12 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે જ આ વ્યવસ્થા હતી. જ્યારે બેલ્જિયમ દેશે વર્ષ 2014માં જ તમામ ઉંમરના બાળકો માટે ઈચ્છામૃત્યુને કાયદાકીય મંજૂરી આપી દીધી હતી.

આ પણ વાંચો:Tariff : '...તો અમે લગાવીશું 100 ટકા ટેરિફ!' ડોનાલ્ડ ટ્રમ્પે આ દેશોને આપી ખુલ્લી ધમકી, કહ્યું- બધી જ ડીલ થઈ જશે કેન્સલ!

  • Follow us on: