અમેરિકા તરફથી ઈરાન પર હુમલાના જોખમ વચ્ચે તેહરાનથી એક મોટો અહેવાલ સામે આવ્યો છે. સીઆઈએના ગુપ્તચર અધિકારીઓના હવાલાથી દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનની મિસાઈલોને સુરક્ષિત રાખવા અને નવા લોન્ચ પેડ તૈયાર કરવાની જવાબદારી ઉત્તર કોરિયાને સોંપવામાં આવી છે.

આ માટે ઉત્તર કોરિયાએ પોતાના નિષ્ણાતોની ટીમ તહેનાત કરી છે. આ નિષ્ણાતો એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે કે ઇઝરાયેલ અને અમેરિકા તરફથી હુમલો થાય તો ઈરાનનાં હથિયારો સુરક્ષિત રહી શકે. બીજી તરફ, ઉત્તર કોરિયાના વૈજ્ઞાનિકો તેહરાન માટે નવા લોન્ચ પેડ તૈયાર કરવામાં પણ મદદ કરી રહ્યા હોવાનો દાવો છે.

એક અહેવાલ મુજબ, અમેરિકન અને સીઆઈએના સત્તાવાર સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે. અહેવાલમાં જણાવાયું છે કે થોડા દિવસ પહેલાં ઈરાને ઉત્તર કોરિયા પાસે પોતાની મિસાઈલોને સુરક્ષિત રાખવા માટે મદદ માગી હતી, જેને ઉત્તર કોરિયાએ સ્વીકારી લીધી છે.

અહેવાલ પ્રમાણે, ઉત્તર કોરિયાના નિષ્ણાતો હાલમાં પ્યોંગયાંગથી જ માર્ગદર્શન આપી રહ્યા છે. આગામી સમયમાં આ નિષ્ણાતો તેહરાન પણ પહોંચી શકે છે.

ઈરાનને ઉત્તર કોરિયાની મદદ શા માટે જરૂરી છે?

ઈરાન પોતાના ભૂગર્ભ મિસાઈલ કેન્દ્રોમાં લોન્ચ પેડ વિકસાવવા માગે છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે તાજેતરમાં અમેરિકા સાથેના યુદ્ધ દરમિયાન ઈરાનના આશરે 80 ટકા લોન્ચ પેડ નષ્ટ થઈ ગયા હતા.

લોન્ચ પેડની અછતને કારણે ઈરાન નવી મિસાઈલો તૈયાર કરવાની પ્રક્રિયામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આ જ કારણસર તેણે ઉત્તર કોરિયા પાસે મદદ માગી હોવાનું કહેવાય છે. ઈરાનની યોજના વધુ શક્તિશાળી અને ખતરનાક મિસાઈલો વિકસાવવાની છે, જેથી ભવિષ્યમાં અમેરિકા અને ઇઝરાયેલ સાથે સંભવિત યુદ્ધનો સામનો કરી શકે.

અરામ ન્યૂઝના અહેવાલ મુજબ, હાલમાં ઈરાન પાસે લોન્ચ પેડ તૈયાર કરવા માટે જરૂરી સામગ્રીની અછત છે. આ ઉપરાંત, યુદ્ધમાં તેના અનેક વૈજ્ઞાનિકો પણ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. બીજી તરફ, ઉત્તર કોરિયા હાલમાં કોઈ યુદ્ધમાં સામેલ નથી, તેથી તે ઈરાનને મદદ કરી શકે છે.

શું અમેરિકા સામે નવો મોરચો તૈયાર થઈ રહ્યો છે?

રશિયા-યુક્રેન યુદ્ધમાં ઉત્તર કોરિયા મોસ્કોને મદદ કરી રહ્યું છે. કિમ જોંગ ઉનના આદેશ પર ઉત્તર કોરિયાએ હજારો સૈનિકો રશિયા મોકલ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. આ દરમિયાન અનેક ઉત્તર કોરિયન સૈનિકો માર્યા ગયા હોવાના દાવા પણ થયા છે. તેમ છતાં ઉત્તર કોરિયા રશિયાને સમર્થન આપી રહ્યું છે.

હવે ઈરાનને મદદ કરવાના અહેવાલો વચ્ચે એવી અટકળો શરૂ થઈ છે કે ઉત્તર કોરિયા અમેરિકા સામે એક નવું વ્યૂહાત્મક મોરચો ઊભો કરવામાં ભૂમિકા ભજવી શકે છે.

બીજી તરફ, અમેરિકા સામે રશિયા પહેલેથી જ ઈરાનનું સમર્થન કરી રહ્યું છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અનેક પ્રસંગોએ કહી ચૂક્યા છે કે રશિયા-યુક્રેન યુદ્ધનો અંત ઈરાનનું યુદ્ધ સમાપ્ત થયા બાદ જ આવી શકે છે.

આ પણ વાંચો:WhatsAppમાં આવ્યું ધમાકેદાર ફીચર! બે અઠવાડિયા પહેલાંથી શેડ્યૂલ કરી શકશો મેસેજ