બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ઈસ્કોન બાંગ્લાદેશ દ્વારા ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તોએ ઉત્સાહપૂર્વક રથયાત્રામાં ભાગ લીધો. આ યાત્રાને બાંગ્લાદેશની સૌથી મોટી જગન્નાથ રથયાત્રા માનવામાં આવે છે.
https://twitter.com/ANI/status/2077713188997763121
શું કહ્યું નિતાઈ સ્વામીએ?
ઈસ્કોન બાંગ્લાદેશના મહાસચિવ શ્રીમત ભક્તિમોય નિતાઈ સ્વામીએ જણાવ્યું કે રથયાત્રાની શરૂઆત સ્વામીબાગથી થઈ હતી અને તેનો સમાપન ઢાકેશ્વરી નેશનલ મંદિર ખાતે થશે. તેમણે જણાવ્યું કે આ પવિત્ર યાત્રામાં લાખો શ્રદ્ધાળુઓ જોડાયા છે, જ્યારે એક લાખથી વધુ ભક્તોએ ભગવાન જગન્નાથના રથને પોતાના હાથે ખેંચવાનો પાવન અવસર મેળવ્યો છે.
સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું
રથયાત્રાના માર્ગ પર મોટી સંખ્યામાં લોકો ભગવાન જગન્નાથના દર્શન કરવા અને યાત્રાનું સ્વાગત કરવા ઉમટી પડ્યા હતા. સમગ્ર માર્ગ પર ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ભજન-કીર્તન, ધાર્મિક સૂત્રોચ્ચાર અને જયઘોષ સાથે સમગ્ર વિસ્તાર ભક્તિરસમાં તરબોળ બની ગયો હતો. શ્રીમત ભક્તિમોય નિતાઈ સ્વામીએ ભગવાન જગન્નાથને પ્રાર્થના કરતાં કહ્યું કે ભગવાન તમામ ભક્તો પર પોતાની કૃપા વરસાવે અને સમગ્ર વિશ્વમાં શાંતિ, સુખ અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે.
સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન
ઢાકામાં યોજાતી આ રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ જ નહીં પરંતુ બાંગ્લાદેશમાં વિવિધ સમુદાયો વચ્ચે સૌહાર્દ અને સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતિક માનવામાં આવે છે. દર વર્ષે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આ ભવ્ય રથયાત્રાના સાક્ષી બનવા માટે ઢાકાની મુલાકાત લે છે. આ વર્ષે પણ કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો.
આ પણ વાંચો : New Zealand Earthquake: 6.3ની તીવ્રતાનો ભૂકંપ, દરિયાકાંઠાના વિસ્તારોમાં સુનામીની ચેતવણી, ગુજરાતના કચ્છમાં પણ ધ્રુજી ધરા