સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં આવેલા વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વપૂર્ણ એવા કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર યમનના હુથી બળવાખોરો દ્વારા એક ઘાતક મિસાઈલ હુમલો કરવામાં આવ્યો છે. સાઉદી સિવિલ એવિએશન ઓથોરિટીના જણાવ્યા અનુસાર, એક અજાણી મિસાઈલ અથવા પ્રોજેક્ટાઈલ સીધો એરપોર્ટના ટર્મિનલ 4 પર જઈને અથડાયો હતો, જેના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી અને ભારે અફરાતફરી મચી ગઈ હતી.આ ઘટનાનો ભયાનક વીડિયો સામે આવ્યો છે. 

હુમલામાં 1 વ્યક્તિનું મોત

આ અચાનક થયેલા હુમલામાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 11 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાઉદી એર ડિફેન્સ સિસ્ટમે એરપોર્ટ નજીક અન્ય એક ક્રુઝ મિસાઈલને હવામાં જ તોડી પાડી હતી, પરંતુ ટર્મિનલ પર થયેલા પ્રહારને રોકી શકાઈ નહોતી. વર્તમાન સુરક્ષા જોખમોને ધ્યાનમાં રાખીને વહીવટીતંત્રે એરપોર્ટ પર તમામ ફ્લાઇટ ઓપરેશન્સ અનિશ્ચિત સમય માટે સ્થગિત કરી દીધા છે.

CCTV ફૂટેજમાં સામે આવ્યું ભયાનક દ્રશ્ય

આ હુમલાના રુંવાડા ઊભા કરી દેનારા સીસીટીવી (CCTV) ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં ઉમરાહ યાત્રાળુઓ અને અન્ય સામાન્ય મુસાફરો ટર્મિનલ પર પોતાની ફ્લાઇટની રાહ જોઈ રહ્યા હતા. અચાનક જ એક જોરદાર વિસ્ફોટ થયો, જેને કારણે નારંગી રંગનો મોટો ફ્લેશ ફેલાયો અને ચારેય તરફ નાસભાગ મચી ગઈ. લોકો પોતાના પ્રાણ બચાવવા માટે અહીંતહીં ભાગી રહ્યા છે. વિસ્ફોટની તીવ્રતા એટલી ભયાનક હતી કે ટર્મિનલની છતનો એક મોટો હિસ્સો તૂટીને નીચે પડી ગયો હતો.
https://x.com/nabilajamal_/status/2109480465363239330?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2109480465363239330%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

હુતીઓની ધમકી અને આંતરરાષ્ટ્રીય ચિંતા

ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ આ હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. તેમણે દમ્મામ એરપોર્ટ સહિત સાઉદી અરેબિયાના અન્ય મુખ્ય ટ્રાન્ઝિટ હબ અને લક્ષ્યોને સતત નિશાન બનાવવાની ખુલ્લી ધમકી આપી છે. બીજી તરફ, સાઉદી ગઠબંધને આને આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને માનવતા વિરુદ્ધનો 'સ્પષ્ટ યુદ્ધ અપરાધ' ગણાવ્યો છે અને જડબાતોડ બદલો લેવાની ચેતવણી ઉચ્ચારી છે. આ ગંભીર તણાવના કારણે વૈશ્વિક સ્તરે તેલના પુરવઠા અને તેના ભાવ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ સંઘર્ષમાં સામેલ થવા સામે ચિંતા વ્યક્ત કરી છે, જેનાથી મધ્ય પૂર્વમાં વધુ વ્યાપક યુદ્ધ ફાટી નીકળવાની દહેશત ઊભી થઈ છે.

શનિવારના હુમલા બાદ વધ્યો મૃત્યુઆંક

ઉલ્લેખનીય છે કે આ હુમલાના માત્ર એક દિવસ પહેલા એટલે કે શનિવારે થયેલા અન્ય એક મોટા હુમલામાં ૩૦૦ થી વધુ લોકો ઘાયલ થયા હતા અને 13 લોકોના મોત થયા હતા. રવિવારે સારવાર દરમિયાન શનિવારના હુમલામાં ઘાયલ થયેલા એક ભારતીય નાગરિકનું પણ દુઃખદ અવસાન થયું છે, જેના કારણે આ સમગ્ર સંઘર્ષમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે.

આ પણ વાંચોઃ Glowing Skin Tips: ચહેરો કાચ જેવો ચમકશે, માત્ર આ એક વસ્તુથી બનાવ ફેસ વોટર