પશ્ચિમ એશિયામાં વધતા તણાવની સીધી અસર હવાઈ મુસાફરી પર પડી છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટને નિશાન બનાવવામાં આવ્યા બાદ ભારતીય એરલાઈન્સે સુરક્ષાને ધ્યાનમાં રાખીને રિયાધની ફ્લાઈટ્સ રદ કરી છે. એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 10 ઓક્ટોબર સુધી રિયાધ આવતી-જતી ફ્લાઈટ્સ સ્થગિત કરી છે, જ્યારે ઈન્ડિગોએ પણ રિયાધની ફ્લાઈટ્સ રદ કરી છે.

અચાનક કેમ રદ કરવી પડી ફ્લાઈટ્સ?

યમનના હુથી સંગઠને રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેલિસ્ટિક મિસાઈલ હુમલો કરવાનો દાવો કર્યો છે. હુમલા બાદ એરપોર્ટની કામગીરી અને ફ્લાઈટ શેડ્યૂલ પર અસર પડી હતી. સાઉદી અધિકારીઓએ પણ રિયાધ અને અન્ય એરપોર્ટ પર થયેલા હુમલામાં જાનહાનિ અને ઈજાઓની માહિતી આપી છે. આ સુરક્ષા સ્થિતિને ધ્યાનમાં રાખીને એરલાઈન્સે રિયાધ રૂટ પરની કામગીરી અસ્થાયી રીતે બંધ કરવાનો નિર્ણય લીધો છે.

એર ઇન્ડિયાની ફ્લાઈટ રસ્તામાંથી પાછી ફરી

હુમલા બાદ દિલ્હીથી રિયાધ જઈ રહેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટને પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાછી ફરવું પડ્યું હતું. ત્યારબાદ એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસે 10 ઓક્ટોબર સુધી રિયાધની કામગીરી સ્થગિત કરવાની જાહેરાત કરી.

ઇન્ડિગોની ફ્લાઈટને દમ્મામ ડાયવર્ટ કરાઈ

ઈન્ડિગોની હૈદરાબાદથી રિયાધ જઈ રહેલી ફ્લાઈટને બાદમાં સાઉદી અરેબિયાના દમ્મામ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યારબાદ ઈન્ડિગોએ દિલ્હી, મુંબઈ અને હૈદરાબાદથી રિયાધ જતી ફ્લાઈટ્સ રદ કરવાની માહિતી આપી હતી. અસરગ્રસ્ત મુસાફરો માટે એરલાઈન્સ તરફથી રિફંડ અથવા અન્ય વિકલ્પો ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે.

રિયાધ એરપોર્ટની મુસાફરોને અપીલ

રિયાધ એરપોર્ટ પર ધડાકાના અહેવાલો વચ્ચે મુસાફરોને એરપોર્ટ પહોંચતા પહેલાં પોતાની એરલાઈન્સનો સંપર્ક કરીને ફ્લાઈટનું સ્ટેટસ તપાસવાની અપીલ કરવામાં આવી હતી. રિયાધ એરપોર્ટ પર ગુરુવારે પણ ફ્લાઈટ્સમાં મોટા પાયે વિલંબ અને રદ થવાની સ્થિતિ જોવા મળી હતી. અહેવાલ મુજબ ડઝનેક ફ્લાઈટ્સ પ્રભાવિત થઈ હતી.

હુથીઓની ‘છેલ્લી ચેતવણી’થી તણાવ વધ્યો

હુથી સંગઠને સાઉદી એરસ્પેસમાં ફ્લાઈટ્સ ચલાવતી એરલાઈન્સને ચેતવણી આપ્યાનો દાવો કર્યો છે. આ ચેતવણી બાદ રિયાધ સહિત સાઉદી અરેબિયાના હવાઈ માર્ગોની સુરક્ષાને લઈને ચિંતા વધી છે. હાલ એરલાઈન્સ સ્થિતિ પર નજર રાખી રહી છે અને મુસાફરોને ફ્લાઈટનું તાજું સ્ટેટસ તપાસીને જ એરપોર્ટ જવાની સલાહ આપવામાં આવી રહી છે. 


  આ પણ વાંચો :   PM Modiના નારામાં અંગ્રેજીની એન્ટ્રી, ‘We Will Do It’ પાછળનો સંદેશ શું? વાંચો રસપ્રદ માહિતી