બ્રિટનના શાહી પરિવારના 12 વર્ષીય પ્રિન્સ જ્યોર્જ (Prince George) આ વર્ષે સપ્ટેમ્બર મહિનાથી દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત અને વીઆઈપી ગણાતી 'ઈટન કોલેજ' (Eton College) માં પોતાનો નવો અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. કન્સિંગ્ટન પેલેસ દ્વારા આ વાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જેની સાથે જ છેલ્લા ઘણા સમયથી ચાલી આવતી અટકળોનો અંત આવ્યો છે. આ નિર્ણય સાથે પ્રિન્સ જ્યોર્જ હવે પોતાના પિતા પ્રિન્સ વિલિયમ અને કાકા પ્રિન્સ હેરીના નકશેકદમ પર ચાલશે, જેમણે આ જ શાળામાંથી શિક્ષણ મેળવ્યું હતું.
600 વર્ષ જૂનો ભવ્ય ઇતિહાસ અને ભારેખમ ફી
ઈટન કોલેજ માત્ર તેના શાહી ઠાઠ માટે જ નહીં, પરંતુ તેના કડક નિયમો અને અતિશય મોંઘી ફી માટે પણ વિશ્વભરમાં જાણીતી છે. કિંગ હેનરી VI દ્વારા વર્ષ 1440 માં સ્થપાયેલી આ સ્કૂલ આશરે 600 વર્ષ જૂની છે. પ્રિન્સ જ્યોર્જના અભ્યાસ માટે બ્રિટિશ રાજવી પરિવારે મોટી રકમ ચૂકવવી પડશે. આ સ્કૂલમાં માત્ર એક વર્ષના અભ્યાસની ફી અંદાજે 66 લાખ રૂપિયા જેટલી છે. અહીંના વિદ્યાર્થીઓ માટે ખાસ ટેલકોટ, પટ્ટાવાળું ટ્રાઉઝર અને વેસ્ટકોટ સહિતનો પરંપરાગત શાહી યુનિફોર્મ ફરજિયાત હોય છે.













