રશિયાની નવી 'સરમત' પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ થઈ ગયું છે, જેને આ વર્ષના અંત સુધીમાં તૈનાત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ પુતિનનો દાવો છે કે તેની મારક ક્ષમતા 35,000 કિમીથી વધુ હોઈ શકે છે. અમેરિકાના ABM સંધિમાંથી હટ્યા બાદ રશિયાની આ પહેલ વૈશ્વિક મિસાઈલ સંતુલનને ગંભીર રીતે પ્રભાવિત કરી શકે છે.

વિશ્વની સૌથી વધુ રેન્જ ધરાવતી મિસાઈલ

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને એક એવું નિવેદન આપ્યું છે, જેનાથી સમગ્ર વિશ્વના મિસાઈલ શક્તિ સંતુલન પર જોખમ ઊભું થઈ શકે છે. રશિયાએ તાજેતરમાં જ પરમાણુ ક્ષમતા ધરાવતી નવી ‘સરમત’ મિસાઈલનું સફળ પરીક્ષણ પૂર્ણ કર્યું છે અને આ વર્ષના અંત સુધીમાં તેને યુદ્ધ ડ્યુટી પર તૈનાત કરવાની યોજના છે. પુતિનનું કહેવું છે કે આ મિસાઈલની મારક ક્ષમતા 35 હજાર કિલોમીટરથી પણ વધુ હોઈ શકે છે. જો આવું થશે, તો તે વિશ્વની સૌથી વધુ રેન્જ ધરાવતી મિસાઈલ બની જશે. જોકે, તેની હાલની રેન્જ 18 હજાર કિલોમીટર જણાવવામાં આવી છે, જે અત્યાર સુધીની સૌથી વધુ છે.

મિસાઈલ સિસ્ટમનું સફળ પરીક્ષણ

વ્લાદિમીર પુતિને જણાવ્યું કે સરમત મિસાઈલ સિસ્ટમના સફળ પરીક્ષણ પછી પોસાઈડન અને બુરવેસ્ટનિક સિસ્ટમ પર કામ તેના અંતિમ તબક્કામાં છે. રાષ્ટ્રપતિએ 'ઓરેશ્નિક'ને પરમાણુ હથિયારો (ન્યુક્લિયર વોરહેડ્સ) થી સજ્જ કરવાની શક્યતાનો પણ ઉલ્લેખ કર્યો હતો. નોંધનીય છે કે, ABM સંધિમાંથી અમેરિકાના બહાર નીકળ્યા પછી, રશિયાને પોતાની વ્યૂહાત્મક સુરક્ષા સુનિશ્ચિત કરવા પર વિચાર કરવાની ફરજ પડી છે.

કેમ ખાસ છે રશિયાની સરમત મિસાઈલ?

સ્ટ્રેટેજિક મિસાઈલ ફોર્સિસના કમાન્ડર કારાકાયેવના રિપોર્ટ મુજબ, સરમતના સફળ લોન્ચિંગ બાદ આ વર્ષના અંત સુધીમાં તેની પ્રથમ રેજિમેન્ટ તૈનાત કરી શકાશે. સરમત સિસ્ટમ તેની અગાઉની મિસાઈલ પ્રણાલી, 'વોયેવોડા' મિસાઈલ સિસ્ટમ કરતા ઘણી મહત્વની બાબતોમાં ચડિયાતી છે. જેમાં મારક ક્ષમતા, થ્રો-વેટ અને મિસાઈલ ડિફેન્સને ભેદવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:Pakistanમાં વિસ્ફોટકો ભરેલી રિક્ષામાં આત્મઘાતી હુમલો, 8 લોકોના મોત, 35 ઘાયલ