યુક્રેન સાથેના યુદ્ધના પાંચમા વર્ષમાં રશિયાની આર્થિક સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી હોવાના સંકેત મળી રહ્યા છે. વ્લાદિમીર પુતિન સરકારે વર્ષ 2026 માં અત્યાર સુધીમાં આશરે 22 ટન (22,000 કિલોગ્રામ) સોનું વેચી દીધું છે. વધતી જતી બજેટ ખાધ અને સંરક્ષણ પાછળના તોતિંગ ખર્ચને પહોંચી વળવા માટે રશિયાએ આ આકરો નિર્ણય લેવો પડ્યો છે.
બજેટ ખાધ 61 અબજ ડોલરને પાર
રશિયાની સેન્ટ્રલ બેંકના આંકડા મુજબ, માર્ચ 2026 ના અંત સુધીમાં દેશની બજેટ ખાધ 61.2 અબજ ડોલર સુધી પહોંચી ગઈ છે. આ જંગી ખાધને ભરપાઈ કરવા માટે રશિયાએ પોતાના ગોલ્ડ રિઝર્વનો સહારો લીધો છે. 1 એપ્રિલ 2026 સુધીમાં રશિયાનું કુલ ગોલ્ડ રિઝર્વ ઘટીને 2,304.76 ટન પર આવી ગયું છે. માત્ર માર્ચ મહિનામાં જ 6.22 ટન સોનાનો ઘટાડો નોંધાયો હતો.
યુદ્ધ અને મોંઘવારીનો ડબલ માર
યુક્રેન સાથે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધને કારણે રશિયા પર આર્થિક દબાણ વધ્યું છે. એકતરફ સરકારી ખર્ચ આસમાને છે, તો બીજી તરફ રશિયન ચલણ 'રુબલ' પર દબાણ અને વધતી મોંઘવારીએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી છે. આ સ્થિતિમાં સુરક્ષિત રોકાણ તરીકે રશિયામાં સોનાની સ્થાનિક માંગ પણ 350% વધી ગઈ છે. રશિયનોએ પોતાની બચત સુરક્ષિત રાખવા માટે 2024માં રેકોર્ડ 75.6 ટન સોનું ખરીદ્યું હતું.
આંતરરાષ્ટ્રીય બજારમાં હલચલ
રશિયા દ્વારા મોટા પાયે સોનાના વેચાણને કારણે વૈશ્વિક ગોલ્ડ માર્કેટમાં અસ્થિરતા જોવા મળી રહી છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે હોવાથી રશિયાને આ વેચાણથી અંદાજે 1.4 થી 1.68 અબજ ડોલરનું ભંડોળ મળ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે માત્ર રશિયા જ નહીં, પરંતુ અન્ય દેશોની સેન્ટ્રલ બેંકો પણ સંરક્ષણ અને ઉર્જા ખર્ચને પહોંચી વળવા માટે સોનું વેચી રહી છે.
આ પણ વાંચો: Middle EastPeace:લેબનોન-ઈઝરાયેલ વચ્ચે સીઝફાયર 3 અઠવાડિયા વધ્યો, ટ્રમ્પ મધ્યસ્થી કરવા તૈયાર!