રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં ફરી એકવાર ભારે વિનાશ સર્જાયો છે. રશિયન દળોએ દક્ષિણ યુક્રેનના અનેક સ્થળોને લક્ષ્ય બનાવીને આડેધડ બોમ્બમારો કર્યો છે, જેમાં ઓછામાં ઓછા ૨૬ લોકોના કરૂણ મોત નીપજ્યા છે. આ હુમલામાં માનવતાવાદી સહાય વિતરણ કેન્દ્ર અને નાગરિકો માટે બનાવેલા આશ્રયસ્થાનને સીધું નિશાન બનાવવામાં આવ્યું હતું. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ આ ઘાતક હુમલાની સખત શબ્દોમાં નિંદા કરી છે અને રશિયા પર શાંતિ પ્રક્રિયાને કચડી નાખવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.
સહાય કેન્દ્ર અને શાળા પર બોમ્બમારો
યુક્રેનના દક્ષિણ ઝાપોરિઝ્ઝિયા પ્રદેશમાં આવેલા કોમિશુવાખા ગામમાં આ દર્દનાક ઘટના બની હતી. ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે, રશિયન દળોએ પહેલા માનવતાવાદી સહાય વિતરણ માટે વપરાતી શાળાની ઈમારત પર બોમ્બ ફેંક્યા હતા અને ત્યારબાદ નજીકમાં આવેલા આશ્રયસ્થાનને નિશાન બનાવ્યું હતું. આ વિસ્તારમાં ખેરસન ક્ષેત્રમાંથી મર્યાદિત યુદ્ધવિરામ સમાપ્ત થયાના ગણતરીના દિવસોમાં જ આ હુમલો થયો છે. યુદ્ધવિરામના કારણે નીચાણવાળા અને અસરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત બહાર કાઢવા અને રાશન પહોંચાડવામાં મદદ મળી રહી હતી, પરંતુ હવે રશિયાએ આ આશા પણ છીનવી લીધી છે. ઝેલેન્સકીએ કહ્યું કે, "આ ઘટના એ વાતનો સાબિતી છે કે રશિયા યુદ્ધ ઘટાડવા કે શાંતિ સ્થાપવા માંગતું નથી, પરંતુ તેનો ઈરાદો વધુમાં વધુ હત્યાઓ કરવાનો છે."
