રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ ફરી એકવાર અત્યંત હિંસક વળાંક લઈ ચૂક્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી દ્વારા રશિયાને આપવામાં આવેલી ખુલ્લી ધમકીઓથી ગુસ્સે ભરાયેલા રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેનની રાજધાની કિવ તેમજ ઓડેસા શહેર પર શ્રેણીબદ્ધ ઘાતક મિસાઈલ અને ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે.
રશિયાએ કિવ અને ઓડેસાને બનાવ્યું નિશાન
મળતી માહિતી પ્રમાણે તાજેતરમાં જ ઝેલેન્સકીએ ચેતવણી આપી હતી કે રશિયાનું આકાશ હવે સુરક્ષિત રહેશે નહીં અને આગામી સમયમાં ત્યાં અસંખ્ય ડ્રોન તૈનાત કરવામાં આવશે. આ આક્રમક નિવેદન બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. ઝેલેન્સકીની આ ધમકીનો આકરો જવાબ આપતા રશિયાએ કિવ અને ઓડેસાને નિશાન બનાવીને આકાશમાંથી મિસાઈલો અને ડ્રોનનો વરસાદ કરી દીધો છે. કિવમાં એક પછી એક શક્તિશાળી વિસ્ફોટો સંભળાયા છે, જેના કારણે ભારે તારાજી સર્જાઈ છે.
ડ્રોન હુમલામાં રહેણાંક બિલ્ડિંગમાં લાગી આગ
ખાસ કરીને, કિવના શેવચેન્કિવસ્કી જિલ્લામાં થયેલા ડ્રોન હુમલાને કારણે એક છ માળની રહેણાંક ઇમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. તાત્કાલિક ધોરણે કટોકટી અને રાહત સેવાઓ ઘટનાસ્થળે દોડી આવીને બચાવ કામગીરીમાં જોડાઈ છે. આ ઉપરાંત, રશિયાએ ઓડેસામાં યુક્રેનના ઉર્જા માળખા અને પાવર ગ્રીડને પણ ગંભીર નુકસાન પહોંચાડ્યું છે, જેથી અનેક વિસ્તારોમાં અંધારપટ છવાઈ ગયો છે.
પુતિનને ઝેલેન્સ્કીએ આપી હતી ધમકી
કિર્ગિસ્તાનમાં યોજાયેલી એસસીઓ (SCO) સમિટ દરમિયાન એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે પુતિનને ઝેલેન્સકીના નિવેદન વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે આવા નિવેદનો સીધા રાજ્ય પ્રાયોજિત આતંકવાદ સમાન છે. તેમણે ઉમેર્યું કે એક તરફ યુક્રેનવાસીઓ વાતચીત શરૂ કરવા માટે કહી રહ્યા છે, પરંતુ બીજી તરફ આ પ્રકારની આતંકવાદી ધમકીઓ આપી રહ્યા છે અને આતંકવાદીઓ સાથે કોઈ વાતચીત થઈ શકે નહીં. પુતિને ચેતવણી આપી હતી કે જો આવી ધમકીઓને કારણે કોઈ અઘટિત ઘટના બનશે, તો મોસ્કો તેનો જડબાતોડ જવાબ આપશે.
અગાઉ પણ 1 થી 2 સપ્ટેમ્બરની રાત્રે કિવ પર 12 કલાકથી વધુ સમય સુધી હુમલા કરવામાં આવ્યા હતા, જેમાં બાળકો સહિત ૧૨થી વધુ લોકોના મોત નીપજ્યા હતા. હાલના આ તાજા હુમલાઓને કારણે યુક્રેનના અનેક શહેરોમાં ભયનો માહોલ છે અને આકાશ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયું છે.
આ પણ વાંચોઃ US: અમેરિકા પર ત્રિપલ વાવાઝોડાનો ખતરો, દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ!