દક્ષિણ અમેરિકા અને પેસિફિક મહાસાગરમાં હવામાનનું ચિત્ર અત્યંત ચિંતાજનક બન્યું છે, જ્યાં એકસાથે શક્તિશાળી વાવાઝોડા સક્રિય થઈને દરિયાકાંઠાના વિસ્તારો માટે ગંભીર ખતરો બની રહ્યા છે. મેક્સિકોના અખાતમાં સર્જાયેલું ઉષ્ણકટિબંધીય તોફાન 'એડુઅર્ડ' ટેક્સાસ અને લ્યુઇસિયાના તરફ અવિરતપણે આગળ વધી રહ્યું છે. સોમવારે રચાયેલા આ તોફાનની પવનની ગતિ આશરે ૬૪ કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ છે અને તે દરિયાકાંઠે ત્રાટકવાની તૈયારીમાં છે.

અમેરિકા પર ત્રિપલ વાવાઝોડાનો ખતરો

હવામાન વિભાગ દ્વારા ગ્રેટર હ્યુસ્ટન વિસ્તારમાં અંદાજે ૩ થી ૬ ઇંચ અને કેટલાક ઉપરવાસના વિસ્તારોમાં ૯ ઇંચ સુધી ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. ટૂંકા ગાળામાં થનારા આ ભારે વરસાદને કારણે નીચાણવાળા તેમજ શહેરી વિસ્તારોમાં અચાનક પૂર આવવાનું મોટું જોખમ ઉભું થયું છે. સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને ટેક્સાસના વહીવટીતંત્ર દ્વારા સ્થાનિક રહેવાસીઓને સાવધ રહેવાની અપીલ કરવામાં આવી છે અને કટોકટી તેમજ રાહત બચાવ ટીમોને સંપૂર્ણપણે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. આ ઉપરાંત, આગ જેવી દુર્ઘટનાઓ ટાળવા માટે સૂકા છોડ અને જોખમી સામગ્રીઓને દૂર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.

લોવેલ અને કરીના તોફાનોથી દરિયાકાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ!

બીજી બાજુ, પેસિફિક મહાસાગરમાં પણ ઉષ્ણકટિબંધીય ગતિવિધિઓ ખૂબ જ તીવ્ર બની છે. તોફાન 'લોવેલ' હવાઈથી દક્ષિણપૂર્વમાં સક્રિય છે અને ૧૧૨ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે તે વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. જ્યારે બીજી તરફ, તોફાન 'કરીના' પહેલાથી જ અત્યંત ખતરનાક કેટેગરી ૪ વાવાઝોડામાં પરિવર્તિત થઈ ચૂક્યું છે, જેમાં પવનની ગતિ આશરે ૨૦૯ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ છે. રાહતની વાત એ છે કે કરીના હાલમાં જમીનથી ઘણે દૂર છે, તેથી તેનાથી તત્કાલ કોઈ સીધો ખતરો નથી. આ સાથે જ એટલાન્ટિકમાં તોફાન 'ડોલી'ના અવશેષો પણ કેરેબિયનમાં વરસાદ લાવી રહ્યા છે, જેને લઈને વૈજ્ઞાનિકો સતત નજર રાખી રહ્યા છે.

આ પણ વાંચોઃ China: ભલાઈનું પરિણામ દંડ? વૃદ્ધનો જીવ બચાવનાર મહિલાને ચૂકવવા પડ્યા લાખો રૂપિયા, જાણો પછી શું થયું?