યુક્રેનના બીજા મોટા શહેર ખારકીવમાં શુક્રવારે રશિયાના ડ્રોન હુમલામાં 9 લોકો ઘાયલ થયા છે. રશિયા તરફથી કરવામાં આવેલા હુમલામાં એક હોસ્પિટલને પણ નુકસાન પહોંચ્યું છે. ખારકીવના મેયર ઈગોર તેરેખોવે ટેલિગ્રામ પર લખ્યું હતું કે નવજાત બાળકોને જન્મ આપનારી માતાઓને બીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમણે એ જણાવ્યું નથી કે આ ઘાયલમાં હોસ્પિટલનો કોઈ વ્યક્તિ શામેલ છે કે નહીં. હાલના દિવસોમાં રશિયા દ્વારા યુક્રેનિયન શહેરો પર લાંબા અંતરના શાહેદ ડ્રોનનો ઉપયોગ કરીને હુમલાઓમાં વધારો જોવા મળ્યો છે, જેમાં ઘણીવાર બેલિસ્ટિક અને ક્રુઝ મિસાઇલો તેમજ શક્તિશાળી ગ્લાઇડ બોમ્બનો ઉપયોગ કરવામાં આવે છે.


યુક્રેનના રાષ્ટ્રપતિએ શું કહ્યું?

ખારકીવ પર રશિયાના વિસ્ફોટ બાદ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર જેલેસ્કીએ જણાવ્યું હતું કે યુક્રેનમાં ક્યાંય શાંતિ નથી. યુક્રેનની રાજધાની કીવ સહિત દેશના અન્ય ક્ષેત્રોમાં આ અઠવાડિયામાં સતત ડ્રોન હુમલાઓ કરવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર મિશને ગુરુવારે જણાવ્યું હતું કે જૂન મહિનો છેલ્લા ત્રણ વર્ષમાં જાનહાનિની ​​દ્રષ્ટિએ સૌથી ખરાબ રહ્યો હતો. કારણકે તેમાં 232 લોકો માર્યા ગયા હતા અને 1,343 લોકો ઘાયલ થયા હતા. રશિયાએ ગયા વર્ષ કરતાં આ વર્ષે જૂનમાં 10 ગણા વધુ ડ્રોન અને મિસાઇલ હુમલા કર્યા છે.

જેલેન્સ્કી છેલ્લા ઘણા સમયથી મોસ્કો પર કડક આર્થિક પ્રતિબંધો લગાવવા માટે વિનંતી કરી રહ્યા છે. જેલેન્સ્કીએ ગુરુવારે કહ્યું કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત "ખૂબ જ રચનાત્મક" રહી છે, જો કે તંત્રએ વધુ નોંધપાત્ર લશ્કરી સહાય પૂરી પાડવાની તૈયારી અંગે વિરોધાભાસી સંકેતો આપ્યા છે. જેલેન્સ્કીએ જણાવ્યું હતું તેઓ યુએસમાં તેમના રાજદૂત ઓક્સાના માર્કારોવાને સંરક્ષણ પ્રધાન રુસ્તમ ઉમારોવ સાથે બદલવાનું વિચારી રહ્યા છે.


  • Follow us on: