રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે વધુ રક્તરંજિત અને આક્રમક વળાંક પર પહોંચી ગયું છે. રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સીધા આદેશ બાદ રશિયન સેનાએ યુક્રેનની રાજધાની કીવ (Kyiv) ને નિશાન બનાવીને અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક હવાઈ હુમલો કર્યો છે. આ ભયાનક મિસાઈલ અને ડ્રોન હુમલામાં 10 નિર્દોષ નાગરિકોના કરુણ મોત નિપજ્યા છે, જ્યારે ડઝનથી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હોવાના અહેવાલ છે. કીવના આકાશમાં ચારેય તરફ ધુમાડાના ગોટેગોટા અને બ્લાસ્ટના અવાજોથી અફરાતફરી મચી ગઈ છે.
મુલાકાત ટૂંકાવીને રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી વતન પરત ફર્યા
આ હુમલો એવા સમયે થયો જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી આંતરરાષ્ટ્રીય સમર્થન મેળવવા માટે આયર્લેન્ડના સત્તાવાર પ્રવાસે હતા. કીવ પર થયેલા આ ભીષણ હુમલા અને જાનમાલના નુકસાનની માહિતી મળતાની સાથે જ રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ પોતાનો આયર્લેન્ડ પ્રવાસ તાત્કાલિક ધોરણે અધવચ્ચે જ રદ કરી દીધો હતો. તેઓ રાજદ્વારી પ્રોટોકોલ બાજુ પર મૂકીને તાબડતોબ પોતાના દેશ યુક્રેન પરત ફર્યા છે. યુક્રેન પહોંચતા જ તેમણે ઉચ્ચ સ્તરીય સૈન્ય કમાન્ડરો સાથે ઈમરજન્સી બેઠક યોજીને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી છે.
રહણાંક વિસ્તારોને બનાવવામાં આવ્યા નિશાન
યુક્રેનિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, રશિયાએ આ વખતે જાણીજોઈને લશ્કરી ઠેકાણાઓની સાથે-સાથે કીવના ગીચ વસ્તીવાળા રહેણાંક વિસ્તારો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને નિશાન બનાવ્યું છે. અનેક બહુમાળી ઈમારતો પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ છે, જેમાં હજુ પણ કેટલાક લોકો ફસાયા હોવાની આશંકા છે. યુક્રેનની એર ડિફેન્સ સિસ્ટમે રશિયાની ઘણી મિસાઈલોને હવામાં જ તોડી પાડી હોવાનો દાવો કર્યો છે, પરંતુ તેમ છતાં કેટલીક મિસાઈલો સીધી રહેણાંક વિસ્તારો પર ઝીંકાતા મોટો વિનાશ સર્જાયો છે.
વૈશ્વિક સ્તરે આક્રોશ અને આગામી વ્યૂહરચના
રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ આ હુમલાને રશિયાની કાયરતાપૂર્ણ ક્રૂરતા ગણાવીને પશ્ચિમી દેશો પાસે વધુ આધુનિક એર ડિફેન્સ સિસ્ટમ અને શસ્ત્રોની માંગ તેજ કરી છે. યુરોપિયન યુનિયન અને અમેરિકાએ આ હુમલાની આકરા શબ્દોમાં નિંદા કરી છે. આયર્લેન્ડના પ્રશાસને પણ ઝેલેન્સ્કીના અધૂરા પ્રવાસ પર સંવેદના વ્યક્ત કરતા યુક્રેનની સાર્વભૌમત્વની લડાઈમાં તેની સાથે હોવાની પ્રતિબદ્ધતા દોહરાવી છે. પુતિન તરફથી આપવામાં આવેલા આ આક્રમક આદેશ બાદ હવે યુક્રેન પલટવાર તરીકે રશિયાની સરહદોની અંદર કેવા ઓપરેશનો હાથ ધરે છે તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાયેલી છે.
આ પણ વાંચો:Panama Canal: હોર્મુઝ બાદ હવે પનામા નહેરમાં યુદ્ધના એંધાણ? ચીનની ઘૂસણખોરી પર ટ્રમ્પની ગંભીર ચેતવણી