રશિયા-યુક્રેન યુદ્ધ બાદ ભારતે રશિયા પાસેથી સબસિડીવાળું એટલે કે સસ્તું ક્રૂડ તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું. આ કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ નિયંત્રણમાં રહ્યા અને મોંઘવારી પણ કાબૂમાં રહી. એક સમયે ભારત રોજના 2.1થી 2.2 મિલિયન બેરલ તેલ રશિયા પાસેથી આયાત કરતું હતું.
નવા વેપાર કરાર બાદ ભારત પર દબાણ
પરંતુ હવે પરિસ્થિતિ બદલાઈ રહી છે. અમેરિકા સાથે થયેલા નવા વેપાર કરાર બાદ ભારત પર દબાણ છે કે તે રશિયન તેલની આયાત ઘટાડે. પરિણામે જાન્યુઆરી 2026માં આ આયાત ઘટીને લગભગ 1 મિલિયન બેરલ પ્રતિ દિવસ થઈ ગઈ છે અને ફેબ્રુઆરીમાં તેમાં વધુ ઘટાડાની શક્યતા છે.
શું હવે પેટ્રોલ-ડીઝલ મોંઘું થશે?
જો રશિયાથી મળતું સસ્તું તેલ સંપૂર્ણ રીતે બંધ થઈ જાય, તો ભારતને અન્ય દેશોથી બજાર ભાવે તેલ ખરીદવું પડશે. નિષ્ણાતોના મતે, આ સ્થિતિમાં ભારતનું વાર્ષિક તેલ આયાત બિલ 9થી 12 બિલિયન ડોલર સુધી વધી શકે છે. તેનો સીધો અર્થ એ થાય છે કે પેટ્રોલ અને ડીઝલ પ્રતિ લિટર 5થી 6 રૂપિયા મોંઘા થઈ શકે. પરંતુ અહીં જ રાહતની વાત છે. સરકાર પાસે એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનો વિકલ્પ છે. ભૂતકાળમાં પણ જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ મોંઘું થયું છે, ત્યારે સરકારે કર ઘટાડીને સામાન્ય માણસને રાહત આપી છે. એટલે ભાવ વધે તે જરૂરી નથી.
ભારત પાસે કયા વિકલ્પો છે?
રશિયા સિવાય પણ ભારત પાસે તેલ માટે અનેક મજબૂત વિકલ્પો ઉપલબ્ધ છે, જે દેશની ઊર્જા સુરક્ષા જાળવી શકે છે. વેનેઝુએલા પાસે દુનિયાનું સૌથી મોટું તેલ ભંડાર છે અને ત્યાંનું ‘હેવી ક્રૂડ’ સામાન્ય રીતે સસ્તું મળે છે, જેને પ્રોસેસ કરવાની ક્ષમતા ભારતીય રિફાઇનરીઓ પાસે હોવાથી વેનેઝુએલા ભારત માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
બ્રાઝિલ એક ઉભરતો તેલ સપ્લાયર
એ જ રીતે, બ્રાઝિલ એક ઉભરતો તેલ સપ્લાયર છે અને ભારતે તાજેતરમાં ત્યાંથી પણ તેલ આયાત શરૂ કરી છે. સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) વર્ષોથી ભારતના વિશ્વસનીય તેલ પુરવઠાકર્તા રહ્યા છે અને ભવિષ્યમાં પણ તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે.
રશિયન તેલની તુલનામાં થોડું મોંઘું
અમેરિકા પાસેથી પણ તેલ આયાત કરી શકાય છે, જોકે તે રશિયન તેલની તુલનામાં થોડું મોંઘું પડે છે. આ ઉપરાંત, કેટલાક દેશોમાં તેલ જમીન નજીક હોવાથી ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો છે, જેમ કે સાઉદી અરેબિયામાં પ્રતિ બેરલ $3થી $9, ઈરાનમાં આશરે $9, ઇરાકમાં $1.9થી $10.5 અને કુવૈતમાં સામાન્ય રીતે $10થી ઓછો ખર્ચ આવે છે, એટલે આ દેશો પણ ભવિષ્યમાં ભારત માટે સસ્તા અને વ્યાવહારિક તેલ વિકલ્પ બની શકે છે.
હાલની સ્થિતિ શું છે?
સારા સમાચાર એ છે કે ભારત અને રશિયા વચ્ચે અગાઉ થયેલા સોદા મુજબ માર્ચ સુધી તેલનો પુરવઠો ચાલુ રહેશે. એટલે તરત કોઈ મોટો ઝટકો લાગવાનો નથી. સાથે જ વેનેઝુએલા અને અન્ય દેશો પાસેથી સપ્લાય શરૂ થાય તો પરિસ્થિતિ સંતુલિત રહેશે. કહીએ તો, રશિયન તેલ ઘટે તો પણ ભારત સંપૂર્ણ રીતે ફસાયું નથી. વૈકલ્પિક દેશો, મજબૂત રિફાઇનિંગ ક્ષમતા અને સરકારની કર નીતિ કારણે સામાન્ય માણસ પર તેની અસર મર્યાદિત રહેશે. એટલે અત્યારે ઘબરાવાની જરૂર નથી.
આ પણ વાંચો : Bangladesh US trade deal : ભારત-અમેરિકા કરાર બાદ બાંગ્લાદેશ કેમ ગભરાયું? જાણો ગુપ્ત સોદાની આખી વાત