સોમવારે રશિયાએ યુક્રેન પર કરેલા ભીષણ મિસાઇલ અને ડ્રોન હુમલામાં 10થી વધુ નિર્દોષ નાગરિકોના મોત થયા છે અને 40 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયા દ્વારા કરવામાં આવેલા આ હુમલાઓ બાદ રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સ્કીએ તીવ્ર રોષ વ્યક્ત કર્યો છે અને પશ્ચિમી દેશોને યુક્રેનની હવાઈ સંરક્ષણ ક્ષમતા વધારવા અને એન્ટિ-બેલિસ્ટિક મિસાઇલ સિસ્ટમ પૂરી પાડવાની તાતી જરૂરિયાત પર ભાર મૂક્યો છે.
રશિયાએ કર્યો યુક્રેન પર જોરદાર હુમલો
હુમલાની વિગતો જોતા, ડિનિપ્રો શહેરમાં માળખાગત સુવિધાઓ પર થયેલા મિસાઇલ હુમલામાં 6 લોકોના મોત થયા છે, જ્યારે ઝાપોરિઝ્ઝિયામાં મુસાફરોથી ભરેલી મિનિબસ પર ડ્રોન હુમલો થતાં 3 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય સુમી અને ખાર્કિવ પ્રદેશમાં પણ રશિયન ડ્રોન હુમલામાં નાગરિકોના મોત થયાના અહેવાલ છે. સતત થઈ રહેલા આ આક્રમણને કારણે યુક્રેનના આઠ પ્રદેશોમાં વીજળી પુરવઠો ખોરવાઈ ગયો છે, જેનાથી સામાન્ય જનજીવન ભારે મુશ્કેલીમાં મુકાયું છે.
બંને દેશ એકબીજા પર કરી રહ્યા છે જોરદાર હુમલા
એક તરફ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને તેમના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવ સતત જણાવી રહ્યા છે કે રશિયા પોતાના લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત કરવા માટે મક્કમ છે અને ફ્રન્ટ લાઇન પર તેમનું આક્રમણ ચાલુ રહેશે. બીજી તરફ, યુક્રેન પણ પોતાની નવીન ડ્રોન ટેકનોલોજી દ્વારા રશિયાના ઈંધણ ડેપો અને સપ્લાય લાઇન્સને નુકસાન પહોંચાડી રહ્યું છે. પુતિને પોતે સ્વીકાર્યું છે કે યુક્રેનના લાંબા અંતરના ડ્રોન હુમલાઓને કારણે રશિયામાં ઈંધણની અછત સર્જાઈ છે, જેનાથી રશિયન જનતામાં રોષ છે.
ઝેલેન્સ્કીએ નાગરિકોને કરી અપીલ
છેલ્લા કેટલાય વર્ષોથી ચાલી આવતી આ વોર અંગે નિષ્ણાતોનું માનવું છે કે, આટલી આક્રમકતા છતાં 2026માં યુદ્ધક્ષેત્ર પર રશિયાનું પ્રદર્શન અને તેની લશ્કરી ક્ષમતા નબળી પડી રહી છે. યુદ્ધ શરૂ થયાના ચાર વર્ષ બાદ પણ પરિસ્થિતિ ગંભીર છે અને સંયુક્ત રાષ્ટ્રના આંકડા મુજબ અત્યાર સુધી 16000 થી વધુ નાગરિકોએ આ યુદ્ધમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ઝેલેન્સ્કીએ ફરી એકવાર આંતરરાષ્ટ્રીય સમુદાયને અપીલ કરી છે કે નાગરિકોને આ ભયાનક હુમલાઓથી બચાવવા માટે અદ્યતન સુરક્ષા કવચ ખૂબ જ જરૂરી છે. યુદ્ધની આ ખેંચતાણમાં હવે હવાઈ સંરક્ષણ અને ડ્રોન ટેકનોલોજી નિર્ણાયક પરિબળો બની ગયા છે.
આ પણ વાંચોઃ ભારત-સાઉદી અરબ વચ્ચે વોટર મેનેજમેન્ટ માટે મહત્વપૂર્ણ MoU, સહયોગને મળશે નવી દિશા