ઇટલીની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની મૂળની 18 વર્ષીય યુવતી સમન અબ્બાસની હત્યાના કેસમાં એક ઐતિહાસિક અને આકરો ચુકાદો આપ્યો છે. એપ્રિલ 2021માં ઉત્તર ઇટાલીના નોવેલરા શહેરમાં બનેલી આ ઘટનાએ સમગ્ર વિશ્વને હચમચાવી નાખ્યું હતું. સમનની તેના જ પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવેલી હત્યાના કેસમાં સુપ્રીમ કોર્ટે તેના માતા-પિતા સહિત પરિવારના ચાર સભ્યોને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે ઇટાલીના સૌથી ચર્ચિત 'ઓનર કિલિંગ' કેસનો અંત આવ્યો છે.
આખા પરિવારને આપી આજીવન જેલ
હત્યાકાંડના મુખ્ય દોષિતોમાં સમનના પિતા શબ્બર અબ્બાસ, માતા નાઝિયા શાહીન અને તેના પિતરાઈ ભાઈઓ એજાઝ અકરમ અને નોમાન ઉલ હકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, કોર્ટે સમનના કાકા દાનિશ હસનૈનને 22 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ ઘટનાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે આ સજાને ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ 'ન્યાયની શોધનો અંત' ગણાવ્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, ઇટાલીમાં સાંસ્કૃતિક અથવા ધાર્મિક કારણોસર મહિલાઓની આઝાદી કે જીવન છીનવી લેનારાઓ માટે કોઈ સ્થાન નથી.
https://twitter.com/GiorgiaMeloni/status/2077368575031976329
ઇચ્છા વિરુદ્ધ તેના લગ્ન કરવા માટે જબરદસ્તી કરાઇ
સમન અબ્બાસની હત્યા પાછળનું કારણ અત્યંત દુઃખદ હતું. 18 વર્ષની આ યુવતી તેના માતા-પિતાની ઇચ્છા વિરુદ્ધ પાકિસ્તાનમાં રહેતા તેના પિતરાઈ ભાઈ સાથે લગ્ન કરવા તૈયાર નહોતી. સમન પોતાની મરજીથી જીવવા માંગતી હતી અને તેના ભવિષ્યના નિર્ણયો પોતે લેવા માંગતી હતી, જે તેના રૂઢિચુસ્ત પરિવારને મંજૂર નહોતું. હત્યાના થોડા સમય પહેલા, સમને ઇટાલિયન સામાજિક સેવાઓ પાસેથી સુરક્ષા માંગી હતી અને તેને આશ્રય ગૃહમાં પણ રાખવામાં આવી હતી. કમનસીબે, એપ્રિલ 2021 માં તે તેના પરિવાર પર વિશ્વાસ કરીને પાછી ફરી, જે તેના જીવનની છેલ્લી ભૂલ સાબિત થઈ.
સ્ત્રીઓની આઝાદી સામે લડતા સમાજ માટે ચેતવણી સમાન
આ કેસ માત્ર એક પરિવારની ક્રૂરતા નથી, પરંતુ તે સ્ત્રીઓની આઝાદી અને સમાનતા માટે લડતા સમાજ માટે એક ચેતવણી સમાન છે. કોર્ટના આ આકરા ચુકાદાએ સાબિત કર્યું છે કે કાયદો સર્વોપરી છે અને ગમે તેટલા મજબૂત સાંસ્કૃતિક કારણો આપવામાં આવે, પણ માનવ અધિકારો અને મહિલાઓની ગરિમા સામે કોઈ પણ સમાધાન સ્વીકાર્ય નથી. આ ઘટના સમાજને યાદ અપાવે છે કે દીકરીઓની સુરક્ષા અને તેમના પસંદગીના અધિકારનું સન્માન કરવું એ દરેક સંસ્કારી સમાજની પ્રાથમિકતા હોવી જોઈએ.
આ પણ વાંચોઃ America એ ઇરાન પર કર્યો જોરદાર હુમલો, એર ડિફેન્સ નષ્ટ કરવાનો કર્યો દાવો