યમનના હુતી બળવાખોરો દ્વારા દક્ષિણપશ્ચિમ સાઉદી અરેબિયાના ખામિસ મુશૈત સ્થિત લશ્કરી એરબેઝ પર ડઝનબંધ મિસાઇલો અને ડ્રોનથી ભીષણ હુમલો કરવામાં આવ્યો છે. હુથીઓએ આ કાર્યવાહીને યમનમાં તાજેતરના સાઉદી હવાઈ હુમલાનો બદલો ગણાવી છે. આ હુમલામાં 13 જેટલા નાગરિકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે, જોકે સાઉદી સિવિલ ડિફેન્સે જણાવ્યું છે કે હાલમાં જોખમ ટળી ગયું છે.
દક્ષિણી શહેરોમાં હાઇ એલર્ટ
આ ગંભીર હુમલા બાદ સાઉદી અરેબિયાના સત્તાવાળાઓ દ્વારા જેદ્દાહ, અભા, તૈફ અને જાઝાન સહિત અનેક મુખ્ય દક્ષિણી શહેરોમાં હાઇ એલર્ટ અને કટોકટી ચેતવણી જારી કરવામાં આવી છે. આ ક્ષેત્રમાં વધી રહેલા તણાવને કારણે સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે.
તેલ પુરવઠા પર ગંભીર અસર અને વૈશ્વિક ચિંતા
લાલ સમુદ્રના મુખ પર આવેલા પેરીમ ટાપુ પર હુથીઓના કબજા અને આ નવા હુમલાઓએ સાઉદી અરેબિયાની તેલ નિકાસ પર ભારે દબાણ વધાર્યું છે. અગાઉના હુમલાઓમાં સાઉદીની 1,200 કિલોમીટર લાંબી પૂર્વ-પશ્ચિમ પાઇપલાઇનને પણ નુકસાન થયું હતું. 1980ના દાયકામાં હોર્મુઝ સ્ટ્રેટના વિકલ્પ તરીકે તૈયાર કરાયેલી આ પાઇપલાઇન લાંબો સમય બંધ રહે તો વૈશ્વિક તેલ પુરવઠામાં 4 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે, જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે.
લશ્કરી કાર્યવાહી અને રાજદ્વારી હલચલ
આ હુમલાના જવાબમાં સાઉદી અને યમનની વાયુસેનાએ મોચા બંદરની આસપાસ હુથી ઠેકાણાઓ પર બોમ્બમારો વધુ તીવ્ર બનાવ્યો છે. આમ છતાં, હુથીઓ હજુ પણ પશ્ચિમ કિનારાના મોટાભાગના વિસ્તાર પર નિયંત્રણ ધરાવે છે.
બીજી તરફ, અમેરિકાએ હાલ સાઉદી અરેબિયાની સીધી લશ્કરી હસ્તક્ષેપની માંગણી સ્વીકારી નથી અને માત્ર ગુપ્તચર સહાય પૂરી પાડી રહી છે. હુથીઓએ અમેરિકાને આ સંઘર્ષથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આ પ્રાદેશિક કટોકટી વચ્ચે સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જેદ્દાહમાં યુએસ પ્રાદેશિક કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર સાથે બેઠક યોજી હતી, જેમાં સુરક્ષા સ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ World: ફ્રાન્સના પેરિસમાં મહંત સ્વામી મહારાજની 93મી જન્મજયંતીની ઐતિહાસિક ઉજવણી,હજારો હરિભક્તો ઉમટ્યા