સાઉદી અરેબિયાની પ્રખ્યાત અને વિશ્વની સૌથી મોટી તેલ કંપની 'અરામકો'ની વહીવટી ઇમારત પર મિસાઇલ હુમલો થતાં મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ વણસી છે. આ હુમલાને કારણે ઇમારતમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સાઉદી ઉર્જા મંત્રાલયે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે આ ઘટના દેશના પૂર્વીય પ્રાંતમાં બની છે, જે દેશનો મુખ્ય તેલ ઉત્પાદક વિસ્તાર છે. રાહતની વાત એ છે કે આ હુમલામાં કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી.
હુતીઓનો સાઉદી પર હુમલો
આ હુમલો ઈરાન સમર્થિત હુતી બળવાખોરો અને સાઉદી-નેતૃત્વ હેઠળના ગઠબંધન વચ્ચે મંગળવારે રાત્રે થયેલી તીવ્ર અથડામણનો એક ભાગ છે. હુમલા પહેલાં, સાઉદી અરેબિયાએ રાજધાની રિયાધ અને પૂર્વીય પ્રાંત તરફ આવી રહેલી મિસાઇલો અંગે ગંભીર ચેતવણી જારી કરી હતી. સાઉદી ગઠબંધને દાવો કર્યો છે કે તેમણે રિયાધ અને વાદી અલ-દાવાસિર સહિતના વિસ્તારોને લક્ષ્ય બનાવીને મોકલવામાં આવેલી બેલિસ્ટિક મિસાઇલો, ક્રોસ મિસાઇલો અને સશસ્ત્ર ડ્રોનને હવામાં જ અટકાવીને નિષ્ફળ બનાવ્યા હતા. રિયાધના સ્થાનિક રહેવાસીઓએ રાત્રિ દરમિયાન જોરદાર વિસ્ફોટોના અવાજ સાંભળ્યા હોવાનું જણાવ્યું હતું.
સાઉદી અને હુતી વચ્ચે વધ્યો તણાવ
સાઉદી અરેબિયા અને હુતી બળવાખોરો વચ્ચે વધતા તણાવ વચ્ચે, સાઉદી-નેતૃત્વ હેઠળના ગઠબંધને મંગળવારે યમનની રાજધાની સનામાં હુથી-નિયંત્રિત વિસ્તારો પર જવાબી હવાઈ હુમલા શરૂ કર્યા હતા. સ્થાનિક રહેવાસીઓ અને હુતી મીડિયાના અનુસાર, સનાના પશ્ચિમ ભાગમાં આવેલા 'સુબાહાહ ફ્યુઅલ સ્ટેશન'ને નિશાન બનાવ્યા બાદ શહેરમાં શક્તિશાળી વિસ્ફોટો થયા હતા.
નાગરિકોને સતર્ક રહેવા સૂચના
સાઉદી ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-મલિકીએ ચોંકાવનારો આરોપ લગાવ્યો હતો કે હુતી બળવાખોરો મિસાઇલો અને ડ્રોનનો સંગ્રહ કરવા માટે યમનની તેલ કંપનીઓની સુવિધાઓ અને ભૂગર્ભ ઇંધણ ડેપોનો ઉપયોગ કરી રહ્યા છે. આથી, ગઠબંધને સંભવિત લશ્કરી કાર્યવાહી પહેલા સ્થાનિક નાગરિકોને આ સુવિધાઓ અને આસપાસના વિસ્તારો તાત્કાલિક ખાલી કરવા ચેતવણી આપી છે.
લોકોએ પેટ્રોલ માટે લગાવી લાંબી લાઇન
બીજી તરફ, યેમેની ઓઇલ કંપનીએ દાવો કર્યો છે કે તેની સ્ટોરેજ સુવિધાઓ ખાલી હતી અને આ સાઉદી હુમલાથી તેલના ભંડાર કે સ્થાનિક રહેવાસીઓને મળતા પુરવઠા પર કોઈ વિપરીત અસર નહીં પડે. તેમ છતાં, ભવિષ્યમાં અછત સર્જાવાના ભયથી કેટલાક પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી. આ દરમિયાન, હુતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ વળતી ચેતવણી આપી હતી કે સના પરના કોઈપણ સાઉદી હુમલાનો રિયાધમાં કઠોર અને પીડાદાયક જવાબ આપવામાં આવશે.
ફ્લાઇટ્સને કરાઇ સ્થાનાંતરિત
સુરક્ષાની ડામાડોળ સ્થિતિને ધ્યાનમાં રાખીને, કેટલીક વિમાની કંપનીઓએ સંભવિત હુમલાના જોખમ અને વીમા જોખમોને કારણે રિયાધથી પોતાની ફ્લાઇટ્સ અન્ય સુરક્ષિત એરપોર્ટ પર સ્થાનાંતરિત કરી દીધી છે. નિષ્ણાતોના મતે, આ પગલું સાઉદી અરેબિયા દ્વારા વધતી જતી લશ્કરી સ્થિતિનો સંકેત આપી રહ્યું છે.
આ પણ વાંચોઃ Houthi Rebels: સનામાં હુમલા અને તાઇઝમાં નાગરિકોના મોતથી હહાકાર, રિયાધને ખુલ્લી ધમકી