ઈસ્લામાબાદ: પહેલેથી જ આર્થિક કંગાળીનો સામનો કરી રહેલા પાકિસ્તાનની મુશ્કેલીઓમાં ઓર વધારો થયો છે. 'આંતરરાષ્ટ્રીય કિસાન સંઘર્ષ દિવસ' નિમિત્તે પાકિસ્તાનના 100 થી વધુ શહેરોમાં ખેડૂતોએ સરકારની નીતિઓ વિરુદ્ધ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. પાકિસ્તાન કિસાન રાબિતા કમિટી (PKRC) ના આહ્વાન પર યોજાયેલા આ આંદોલનમાં ખેડૂતોએ MSP વધારવા અને કોર્પોરેટ ખેતીના મોડલને હટાવવા જેવી અનેક માંગણીઓ કરી છે.
શું છે ખેડૂતોની મુખ્ય માંગણીઓ?
ખેડૂતોએ સરકાર પાસે ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ (MSP) પ્રતિ મણ 4,000 પાકિસ્તાની રૂપિયા નક્કી કરવાની માંગ કરી છે. આ ઉપરાંત, સરકારે ઘઉંની ખરીદી 11 ખાનગી કંપનીઓને સોંપવાનો જે નિર્ણય લીધો છે, તેનો ખેડૂતો સખત વિરોધ કરી રહ્યા છે. ખેડૂતોનું માનવું છે કે ખાનગી કંપનીઓના પ્રવેશથી નાના ખેડૂતોનું શોષણ વધશે અને તેમની આર્થિક સ્થિતિ વધુ કથળશે.
સમગ્ર દેશમાં વિરોધના સૂર
પંજાબ પ્રાંતના લાહોર, મુલતાન અને સહિવાલથી લઈને સિંધના હૈદરાબાદ અને બલૂચિસ્તાનના ક્વેટા સુધી ખેડૂતોનો ગુસ્સો જોવા મળ્યો હતો. PKRC ના જનરલ સેક્રેટરી રિફ્ફત મકસૂદે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષ ખેડૂતો માટે અત્યંત નુકસાનકારક રહ્યા છે. સરકાર ગ્રામીણ વિસ્તારોની અવગણના કરીને માત્ર કોર્પોરેટ કંપનીઓના હિતોનું રક્ષણ કરી રહી છે.
આંદોલન તેજ કરવાની ચેતવણી
ખેડૂત સંગઠનોએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેમની માંગણીઓ સત્વરે સ્વીકારવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ આક્રમક બનશે. મોંઘવારી, ખેતીના સાધનોના વધતા ભાવ અને ક્લાઈમેટ ચેન્જની વચ્ચે પાકિસ્તાની ખેડૂતો માટે અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે.
આ પણ વાંચો: IRANનો ટ્રમ્પને જડબાતોડ જવાબ:'એનરિચ્ડ યુરેનિયમ અમારી માતૃભૂમિ જેવું પવિત્ર છે,કોઈને પણ નહીં આપીએ'