રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે હવે એક નવો અને અત્યંત ગંભીર વળાંક લીધો છે. આ વખતે વિવાદના કેન્દ્રમાં કોઈ રશિયન હુમલો નથી, પરંતુ યુક્રેનનો સૌથી નજીકનો સહયોગી દેશ પોલેન્ડ છે. પોલેન્ડની સરકાર પર એક એવો ગંભીર આરોપ લાગ્યો છે, જેના કારણે દેશના રાજકારણમાં મોટો ભૂકંપ આવી ગયો છે. આરોપ છે કે પોલેન્ડની સરકારે દેશની સંસદને અંધારામાં રાખીને, પોતાની સુરક્ષા માટે કરોડો રૂપિયાના ખર્ચે ખરીદેલી અત્યંત આધુનિક 'પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો' (Patriot PAC-3 MSE) ગુપચુપ રીતે યુક્રેનને સોંપી દીધી છે. આ સનસનાટીપૂર્ણ ખુલાસા બાદ પોલેન્ડમાં સવાલો ઉઠી રહ્યા છે કે શું સરકારે યુક્રેનની મદદ કરવાના ચક્કરમાં પોતાના જ નાગરિકોની સુરક્ષાને જોખમમાં મૂકી દીધી છે?

મિસાઈલ કૌભાંડનો ખુલાસો

આ મોટા મિસાઈલ કૌભાંડનો ખુલાસો પોલેન્ડની સંસદના ડેપ્યુટી સ્પીકર ક્રિઝસ્ટોફ બોસાકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, આ વર્ષે માર્ચ મહિનામાં પોલેન્ડની સરકારે કોઈ પણ પૂર્વ સૂચના કે સંસદીય મંજૂરી વિના યુક્રેનને આ કિંમતી ઇન્ટરસેપ્ટર મિસાઇલો આપી દીધી હતી. પૂર્વ સંરક્ષણ મંત્રી મારિયસ બ્લાસ્જ્જાકે પણ આને દેશની સુરક્ષા સાથે મોટો ખિલવાડ ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, જ્યારે સરકાર પોતે રશિયન હુમલા અને ઉશ્કેરણીની ચેતવણી આપી રહી છે, ત્યારે પોતાના સૌથી મહત્વપૂર્ણ હથિયારો વિદેશ મોકલી દેવા એ નાગરિકોની સુરક્ષા કરવાની મૂળભૂત ફરજની બિલકુલ વિરુદ્ધ છે.

પોલેન્ડ પાસેથી ગુપ્ત મદદ લીધાની આશંકા 

અમેરિકાની લોકહીડ માર્ટિન કંપની દ્વારા બનાવવામાં આવતી PAC-3 MSE વિશ્વની સૌથી એડવાન્સ એર-ડિફેન્સ મિસાઈલોમાંની એક છે, જે 'હિત-ટુ-કિલ' ટેકનોલોજી પર કામ કરે છે અને સીધી દુશ્મનની બેલિસ્ટિક કે ક્રુઝ મિસાઈલ સાથે ટકરાઈને તેને નષ્ટ કરે છે. આ એક સિંગલ મિસાઈલની કિંમત આશરે 4 થી 5 મિલિયન ડોલર (આશરે ₹33 થી ₹41 કરોડ) છે અને તેનો વૈશ્વિક સ્તરે ભારે તંગી છે. યુક્રેન પાસે હાલમાં 5 થી 7 પેટ્રિયટ બેટરીઓ હોવા છતાં, રશિયન હુમલાઓને રોકવા માટે તેનું મિસાઈલ સ્ટોક સતત ખાલી થઈ રહ્યો છે, જેના કારણે જ પોલેન્ડ પાસેથી આ ગુપ્ત મદદ લેવાઈ હોવાની આશંકા છે.

વિપક્ષનો સૌથી મોટો તર્ક એ છે કે પોલેન્ડની ભૌગોલિક સ્થિતિ તેને રશિયાના સીધા નિશાના પર રાખે છે. રશિયાનો કલિનિનગ્રાડ વિસ્તાર પોલેન્ડની સરહદને અડેલો છે, જ્યાં રશિયાએ પોતાની સૌથી ખતરનાક ઇસ્કંદર બેલિસ્ટિક મિસાઇલો તૈનાત કરી રાખી છે. ડેપ્યુટી સ્પીકરના જણાવ્યા મુજબ, પોલેન્ડ પાસે માત્ર PAC-3 MSE મિસાઇલો જ એવી ઢાલ હતી જે રશિયન ઇસ્કંદર મિસાઇલોને હવામાં તોડી પાડવાની ક્ષમતા ધરાવતી હતી. હવે જો આ મિસાઈલો યુક્રેનને આપી દેવામાં આવી હોય, તો પોલેન્ડનું આકાશ રશિયન હુમલા સામે સંપૂર્ણપણે ખુલ્લું અને અસુરક્ષિત થઈ ગયું છે, જે દેશ માટે મોટો ડિફેન્સ ગેપ ઊભો કરે છે. બીજી તરફ, રશિયાની ગુપ્તચર એજન્સી FSB પણ બંને દેશો વચ્ચે ઐતિહાસિક નફરત ભડકાવવા માટે ભ્રામક પ્રચાર ચલાવી રહી છે.


આ પણ વાંચો: Peace Talks: રશિયા-યુક્રેન યુદ્ધનો આવશે અંત ? મધ્યથી બનવા ટ્રમ્પે પુતિન સાથે 90 મિનિટ સુધી કરી વાત