બાંગ્લાદેશનાં પૂર્વ વડાંપ્રધાન શેખ હસીનાએ ડિસેમ્બરમાં સ્વદેશ પરત ફરવાની તૈયારીઓ તેજ કરી હોવાના અહેવાલ છે. આ માટે તેમણે નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર જારી કરવાની વિનંતી કરી હતી. જોકે, નવી દિલ્હીમાં આવેલા બાંગ્લાદેશ હાઈ કમિશને આ વિનંતી ફગાવી દીધી છે. બીજી તરફ, બાંગ્લાદેશના મુખ્ય સરકારી વકીલે સ્પષ્ટ કર્યું છે કે હસીના પરત ફરશે તો તેમને મૃત્યુદંડનો સામનો કરવો પડી શકે છે.
પાસપોર્ટ અને ઓળખપત્રની અરજી ફગાવાઈ
શેખ હસીનાએ તેમના લંડન સ્થિત વકીલો મારફતે નવી દિલ્હીના બાંગ્લાદેશ હાઈ કમિશનને નવો પાસપોર્ટ અને રાષ્ટ્રીય ઓળખપત્ર આપવા વિનંતી કરી હતી. જોકે, હાઈ કમિશનના જણાવ્યા અનુસાર, જેને મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હોય તેને પ્રવાસ દસ્તાવેજો આપવાની કોઈ કાનૂની જોગવાઈ નથી. ઢાકાએ તેમની વિનંતી ફગાવીને પ્રત્યાર્પણની માગ પણ ફરી દોહરાવી છે.
પરત ફરશે તો મૃત્યુદંડનો સામનો કરવો પડશે: સરકારી વકીલ
બાંગ્લાદેશના આંતરરાષ્ટ્રીય અપરાધ ટ્રિબ્યુનલના મુખ્ય સરકારી વકીલ મોહમ્મદ અમીનુલ ઇસ્લામે જણાવ્યું છે કે શેખ હસીના સ્વદેશ પરત ફરશે તો તેમની પાસે મૃત્યુદંડના ચુકાદાના અમલનો સામનો કરવા સિવાય કોઈ વિકલ્પ નહીં રહે. માનવતા વિરુદ્ધના અપરાધોના કેસમાં ટ્રિબ્યુનલે તેમને મૃત્યુદંડની સજા સંભળાવી છે.
ઓગસ્ટ 2024ના બળવા બાદ ભારત આવી ગયાં હતાં
ઓગસ્ટ 2024માં બાંગ્લાદેશમાં મોટા પાયે થયેલા બળવા બાદ શેખ હસીના ભારત આવી ગયાં હતાં. આ દરમિયાન પ્રદર્શનકારીઓ સામે થયેલી કથિત કાર્યવાહીને લઈને તેમની સામે કેસ ચાલ્યો હતો. હસીનાએ અગાઉ કહ્યું હતું કે જેલમાં જવું પડે કે જીવ ગુમાવવો પડે, તેમ છતાં તેઓ લોકો પ્રત્યેની પોતાની ફરજથી પાછળ નહીં હટે.
ભારત-બાંગ્લાદેશના સંબંધોમાં તણાવ
હસીનાના ભારત આવ્યા બાદ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ વધ્યો છે. બાંગ્લાદેશે વારંવાર તેમના પ્રત્યાર્પણની માગ કરી છે, જ્યારે ભારતે જણાવ્યું છે કે તે આ માગણીઓની સમીક્ષા કરી રહ્યું છે. મુખ્ય સરકારી વકીલે હસીનાના પરત ફરવાના ઇરાદા પર પણ સવાલ ઉઠાવતાં કહ્યું કે જો તેઓ ખરેખર વતન આવવા ઇચ્છતાં હોત, તો ચુકાદા સામે અપીલ કરવા માટે સમયમર્યાદામાં પરત ફર્યાં હોત.
આ પણ વાંચો : Delhi : પ્રણવ મુખર્જી વડાપ્રધાન બનવા ઇચ્છતા હતા તો તેમાં ખોટું શું? શર્મિષ્ઠા મુખર્જીએ સોનિયા ગાંધીને આપ્યો જવાબ