બાંગ્લાદેશની અપદસ્થ વડાપ્રધાન શેખ હસીના વિરુદ્ધ આજે સજાની જાહેરાત થશે. બાંગ્લાદેશનું આંતરરાષ્ટ્રીય ગુના ટ્રિબ્યુનલ શેખ હસીના અને ભૂતપૂર્વ ગૃહમંત્રી અસદુઝમાન ખાન કમાલ અને ભૂતપૂર્વ આઈજીપી ચૌધરી અબ્દુલ્લા અલ મામુન સામે માનવતા વિરુદ્ધના ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો આપશે. સજાના એલાનને લઇને હિંસા થવાનો પણ ડર છે. એવામાં બાંગ્લાદેશમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ સિવાય અનેક જગ્યાઓ પર હિંસાની ઘટનાઓ પણ સામે આવી છે.
અભિયોજન પક્ષે શેખ હસીનાને ફાંસીની સજા માંગી છે
શેખ હસીના અને અન્ય પર આરોપ છે કે તેમની આગેવાનીમાં જુલાઈ 2023ની સુરક્ષા કાર્યવાહી દરમિયાન 1400 લોકો માર્યા ગયા હતા. અભિયોજન પક્ષે શેખ હસીનાને માસ્ટરમાઈન્ડ ગણાવી ફાંસી ની સજા માગી છે. બીજી તરફ શેખ હસીના અને તેમની પાર્ટીનો દાવો છે કે રાજકીય બદલો લેવા માટે તેમના સામે આ કેસો નોંધાયા છે. આવો જાણીએ શેખ હસીના સામેના એ પાંચ આરોપ છે જેને લઇને આજે સજા સંભળાવાશે.
પહેલો આરોપ
પ્રતિવાદીઓ પર હત્યા, હત્યાનો પ્રયાસ, યાતના અને અમાનવીય વર્તનના આરોપ છે. સાથે જ શેખ હસીના અને અન્ય પર આ ગુનાઓને પ્રોત્સાહિત કરવા, ઉશ્કેરવા, સહાય કરવા, સહભાગી બનવા અને અટકાવવા નિષ્ફળ રહેવાનો આરોપ છે. આરોપ છે કે 14 જુલાઈની શેખ હસીનાની પ્રેસ કોન્ફરન્સ બાદ પૂર્વ ગૃહમંત્રી અસદુજ્જમાં,પૂર્વ IGP મામૂન અને અન્ય ઉચ્ચ અધિકારીઓએ માનવતા વિરોધી ગુનાઓમાં સહાય અને સહભાગી બન્યા હતા.
બીજો આરોપ
શેખ હસીના પર હેલિકોપ્ટર, ડ્રોન અને ઘાતક હથિયારોનો ઉપયોગ કરીને વિદ્યાર્થી પ્રદર્શનોને દબાવવાનો આદેશ આપવાનો આરોપ છે. અભિયોજન પક્ષ કહે છે કે તે સમયે ગૃહમંત્રી અને પોલીસ મહાનિરીક્ષકે કાયદા-વ્યવસ્થા દળોને આ આદેશ અમલમાં મૂકાશે તે માટે સૂચના આપી.
ત્રીજો આરોપ
શેખ હસીના, પૂર્વ ગૃહમંત્રી અને પૂર્વ IGP પર રંગપુરના બેગમ રોકૈયા યુનિવર્સિટી પાસે પ્રદર્શનકારી વિદ્યાર્થી અબુ સઈદની હત્યા કરવાનો આરોપ છે. સાથે જ શેખ હસીના પર ઉશ્કેરણીજનક ભાષણ આપવાનો અને ઘાતક હથિયારોના ઉપયોગનો આદેશ આપવાનો તથા અસદુઝ્જમાન અને મામૂન પર આ આદેશ અમલમાં મૂકવામાં સહાય કરવાનો આરોપ છે.
ચોથો આરોપ
અગાઉના વર્ષના 5 ઓગસ્ટે ઢાકાના ચંખરપુલમાં છ નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે. અભિયોજન પક્ષનો દાવો છે કે આ હત્યા આરોપીઓના આદેશ, ઉશ્કેરણી, મિલીભગત અને સાજિશ હેઠળ કરવામાં આવી હતી, જે માનવતા વિરોધી ગુનો છે.
પાંચમો આરોપ
અગાઉના વર્ષના 5 ઓગસ્ટે અશુલિયામાં છ વિદ્યાર્થી પ્રદર્શનકારીઓને ગોળી મારીને હત્યા કરવાનો આરોપ છે, જેમાંથી પાંચને બાદમાં સળગાવી દેવાયા હતા અને છઠ્ઠાને જીવતા જ આગ લગાડવામાં આવ્યો હતો.