અમેરિકામાં ગન કલ્ચરની વરવી વાસ્તવિકતા ફરી એકવાર સામે આવી છે. ગુરુવારે મોડી સાંજે સાઉથ કેરોલિના સ્ટેટ યુનિવર્સિટીમાં થયેલા ભયાનક ગોળીબારમાં બે લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો છે. આ હિંસક ઘટના બાદ સમગ્ર કેમ્પસ અને આસપાસના વિસ્તારમાં ભારે ગભરાટ ફેલાયો છે.

સમગ્ર કેમ્પસને લોકડાઉન કરી દેવાયું

ગુરુવારે રાત્રે આશરે 9:15 વાગ્યાની આસપાસ જ્યારે કેમ્પસમાં સામાન્ય ગતિવિધિઓ ચાલી રહી હતી, ત્યારે અચાનક ગોળીબારનો અવાજ સંભળાયો હતો. યુનિવર્સિટી પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરતા સમગ્ર કેમ્પસને લોકડાઉન કરી દીધું હતું. આ લોકડાઉન લગભગ ચાર કલાક સુધી ચાલુ રહ્યું હતું, જે દરમિયાન વિદ્યાર્થીઓ અને સ્ટાફને પોતપોતાના રૂમમાં પુરાઈ રહેવાની સૂચના આપવામાં આવી હતી.

તપાસકર્તા પુરાવા એકત્ર કરી રહ્યા છે

યુનિવર્સિટીએ આ ઘટનાની ગંભીરતાને જોતા સાઉથ કેરોલિના લો એન્ફોર્સમેન્ટ ડિવિઝન (SLED) ને તપાસ સોંપી છે. હાલમાં SLED ના તપાસકર્તાઓ ઘટનાસ્થળે પુરાવા એકત્ર કરી રહ્યા છે. સાઉથ કેરોલિના સ્ટેટ ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક સેફ્ટી, ઓરેન્જબર્ગ પોલીસ અને શેરિફ ઓફિસની ટીમો સંયુક્ત રીતે વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી છે.

શૈક્ષણિક કાર્ય સ્થગિત અને કાઉન્સેલિંગ

ઘટનાની ગંભીરતા અને વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને યુનિવર્સિટીએ શુક્રવારના તમામ વર્ગો અને શૈક્ષણિક કાર્યક્રમો રદ કરવાની જાહેરાત કરી છે. ગોળીબારની આ ઘટનાથી વિદ્યાર્થીઓમાં માનસિક આઘાત ન લાગે તે માટે યુનિવર્સિટીએ કેમ્પસ પર વ્યવસાયિક કાઉન્સેલર્સની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે, જેથી પીડિતો અને સાક્ષીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે.

શંકાસ્પદની શોધ ચાલુ

હાલ સુધી સત્તાવાર રીતે મૃતકોની ઓળખ જાહેર કરવામાં આવી નથી. પોલીસ અને સુરક્ષા એજન્સીઓએ સંભવિત શંકાસ્પદ હુમલાખોર વિશે પણ કોઈ વિગતો બહાર પાડી નથી. તપાસ એજન્સીઓ સીસીટીવી ફૂટેજ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનોના આધારે હુમલાખોર સુધી પહોંચવાના પ્રયાસો કરી રહી છે. આ ઘટનાએ ફરી એકવાર અમેરિકામાં શૈક્ષણિક સંસ્થાઓની સુરક્ષા અને બંદૂક નિયંત્રણ કાયદાઓ પર ચર્ચા જગાવી છે.

આ પણ વાંચોઃ Valentine’s Day પર જ કેમ વધે છે બ્રેકએપનો ગ્રાફ ? જાણો કેવી રીતે ખીલે છે અબજો ડોલરની બ્રેકઅપ ઇન્ડસ્ટ્રી