દુબઈથી ઈઝરાયલ જઈ રહેલી ફ્લાઈટના કેપ્ટનની ઓળખ થઈ ગઈ છે. આ વિમાન ઉડાવી રહેલા કેપ્ટનનું નામ સ્મિત મછાર છે. સ્મિત ભારતના નાગરિક છે અને ગુજરાતના રહેવાસી છે. 

ચાકુના હુમલામાં સ્મિત ઘાયલ થયા

સ્મિત પર તેમના કો-પાઈલટે ચાકુથી હુમલો કરીને પ્લેનને પોતાના કબજામાં લેવાનો પ્રયાસ કર્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે સ્મિતે તેનો ઈરાદો નિષ્ફળ બનાવ્યો હતો. ચાકુના હુમલામાં સ્મિત ઘાયલ થયા હતા અને તેમના શરીરમાંથી લોહી નીકળી રહ્યું હતું, પરંતુ તેમણે વિમાનનો કંટ્રોલ પોતાના કો-પાઈલટને આપ્યો નહોતો.

બીજી 9/11 જેવી ઘટના બની શકતી હતી

જો પ્લેનનો કંટ્રોલ કો-પાઈલટના હાથમાં ગયો હોત તો બીજી 9/11 જેવી ઘટના બની શકતી હતી એવો દાવો કરવામાં આવ્યો છે. ઈઝરાયલ સરકાર અનુસાર, બીજા પાઈલટનો ઈરાદો વિમાનને ક્રેશ કરવાનો હતો.

મુસાફરોએ કોકપિટમાં પહોંચીને કો-પાઈલટને કાબૂમાં લીધો

આ દરમિયાન બહાર બેઠેલા મુસાફરોએ બંને પાઈલટો વચ્ચેની લડાઈ જોઈ લીધી હતી. ત્યારબાદ મુસાફરો કોકપિટમાં પહોંચ્યા અને બીજા પાઈલટને કાબૂમાં લીધો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કેપ્ટન સ્મિત એ જ પાઈલટ છે જેમના પર ફ્લાયદુબઈની ઘટનામાં ચાકુથી હુમલો કરવામાં આવ્યો હતો. ઘટના બાદ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી FZ1073 ફ્લાઈટનો માર્ગ બદલવામાં આવ્યો અને તેને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર ઉતારવામાં આવી.

2011થી 2022 સુધી સ્પાઈસજેટ સાથે કામ કર્યું

સ્મિતે જૂન 2022માં ફ્લાયદુબઈમાં ડાયરેક્ટ એન્ટ્રી કેપ્ટન તરીકે કામ શરૂ કર્યું હતું. તે પહેલાં તેમણે જૂન 2011થી 2022 સુધી આશરે 11 વર્ષ સ્પાઈસજેટ સાથે કામ કર્યું હતું.

સ્મિત બોઈંગ 737 ફ્લીટના નિષ્ણાત 

સ્મિત બોઈંગ 737 ફ્લીટના નિષ્ણાત હોવાનું જણાવવામાં આવ્યું છે. તેઓ સુરક્ષા અને નિયમોના પાલન પર ખાસ ધ્યાન આપતા હતા. તેમણે અન્ય પાઈલટોને માર્ગદર્શન પણ આપ્યું હોવાનું જણાવાયું છે. સ્મિતે વેલિંગકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનની ડિગ્રી પણ મેળવી છે.

ઈઝરાયલના વડાપ્રધાને જણાવી સમગ્ર ઘટના

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, કો-પાઈલટે કેપ્ટનને ચાકુ માર્યા બાદ વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ વિમાનમાં હાજર મુસાફરો અને અન્ય પાઈલટોએ દરમિયાનગીરી કરી અને પ્લેનને ફરી કંટ્રોલમાં લાવવામાં મદદ કરી હતી. ત્યારબાદ વિમાનને સાઉદી અરેબિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવ્યું હતું.

નેતન્યાહૂએ આ ઘટનાને “ખૂબ ગંભીર સુરક્ષા ઘટના” ગણાવી

નેતન્યાહૂએ આ ઘટનાને “ખૂબ ગંભીર સુરક્ષા ઘટના” ગણાવી હતી. તેમણે જણાવ્યું કે વિમાન લેન્ડ થયા બાદ કો-પાઈલટની ધરપકડ કરવામાં આવી હતી અને સાઉદી અધિકારીઓ તેની પૂછપરછ કરશે. એક ઈઝરાયલી અધિકારીએ હુમલાખોરની ઓળખ ઓમાનના નાગરિક તરીકે કરી હોવાનું જણાવાયું છે.

અચાનક નીચે તરફ ગોથુ મારવા લાગ્યું વિમાન

નેતન્યાહૂએ તેમના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવેલા વીડિયો નિવેદનમાં કહ્યું કે તમામ મુસાફરો સુરક્ષિત છે. તેમણે એ પણ જણાવ્યું કે વિમાનમાં સવાર મોટાભાગના લોકો ઈઝરાયલી હતા. નેતન્યાહૂના જણાવ્યા અનુસાર, જ્યારે વિમાન “નિયંત્રણ બહાર જઈને નીચે તરફ ગોથુ મારવા લાગ્યું”, ત્યારે મુસાફરો અને ક્રૂના એક સભ્યે જબરદસ્તી કોકપિટમાં પ્રવેશ કર્યો. તેમણે જોયું કે કો-પાઈલટ વિમાનની સિસ્ટમ સાથે છેડછાડ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. નેતન્યાહૂએ કહ્યું કે તેમણે અનેક લોકોના જીવ બચાવ્યા અને એક મોટી દુર્ઘટના ટાળી દીધી


આ પણ વાંચો :   Flydubai ફ્લાઈટને ઓમાનના પાયલટે કરી હતી હાઇજેક કરવાની કોશિશ? ફાઈટર જેટ્સ કેમ દોડાવાયા? દુનિયાભરમાં ખળભળાટ