બાળકોના માનસિક સ્વાસ્થ્ય અને ઓનલાઈન સુરક્ષાને લઈને વિશ્વભરમાં ચિંતા વધી રહી છે, ત્યારે યુનાઈટેડ આરબ અમીરાત (UAE) સરકારે એક ઐતિહાસિક અને અત્યંત કડક નિર્ણય લીધો છે. UAE એ દેશમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવા માટેની લઘુત્તમ ઉંમર 15 વર્ષ નક્કી કરી દીધી છે. આ નવા નિયમ બાદ, હવે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો પોતાનું વ્યક્તિગત સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી કે ચલાવી શકશે નહીં. આ સાથે જ ખાડી (અખાતી) દેશોમાં બાળકોની સુરક્ષા માટે આ પ્રકારનો કડક કાયદો લાવનારો UAE પ્રથમ આરબ દેશ બન્યો છે.
પબ્લિક ગ્રુપ અને કમેન્ટ કરવા પર પણ પ્રતિબંધ
સરકારના મીડિયા ઓફિસ દ્વારા જારી કરાયેલા સત્તાવાર પ્રસ્તાવ અનુસાર, ૧૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકો સોશિયલ મીડિયા પર કોઈ કન્ટેન્ટ પોસ્ટ કરી શકશે નહીં, કોઈની પોસ્ટ પર કમેન્ટ નહીં કરી શકે, કશું શેર નહીં કરી શકે અને પબ્લિક ગ્રુપ્સનો હિસ્સો પણ બની શકશે નહીં. જો કે, 15 અને 16 વર્ષના કિશોરોને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની છૂટ રહેશે, પરંતુ તેના માટે કડક સુરક્ષા નિયમો અને માતા-પિતાની દેખરેખ (પેરેન્ટલ કંટ્રોલ) ના ફીચર્સ ફરજિયાત રહેશે. આ ઉંમરના યુઝર્સ માટે સ્ક્રીન ટાઇમ કંટ્રોલ અને અજાણ્યા લોકો સાથેની વાતચીત મર્યાદિત રાખવાના ટૂલ્સ પણ આપવાના રહેશે.













