અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા ઐતિહાસિક શાંતિ કરારને લઈને અત્યાર સુધી કતારના અમીર તમીમ બિન અલ થાની અને પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીરની મધ્યસ્થતાની જોરદાર ચર્ચા થઈ રહી હતી. પરંતુ બ્લૂમબર્ગના એક તાજેતરના અહેવાલે આખી વાર્તા બદલી નાખી છે. આ અહેવાલ મુજબ, આ મહાડીલને અંજામ સુધી પહોંચાડનારા અસલી માસ્ટરમાઇન્ડ સંયુક્ત આરબ અમીરાત (UAE) ના અબજોપતિ કારોબારી અને રાજદ્વારી શેખ તહનુન બિન જાયદ અલ નાહયાન છે. તેમની કુશળ કૂટનીતિના કારણે જ યુએઈએ યુદ્ધના સ્થાને શાંતિનો પ્રસ્તાવ મૂક્યો, જેને સ્વીકારવા માટે અમેરિકાને પણ મજબૂર થવું પડ્યું. આ ડીલના કારણે મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ સંપૂર્ણપણે એકલું પડી ગયું છે.
શેખ તહનુને કેવી રીતે અશક્યને શક્ય બનાવ્યું?
વાસ્તવમાં આ વર્ષના એપ્રિલ મહિનામાં જ્યારે આ ડીલ પર વાતચીત શરૂ થઈ, ત્યારે પાકિસ્તાન અને કતાર મધ્યસ્થતા કરી રહ્યા હતા. પરંતુ તે સમયે શરતો પર વાત ન બનવાને કારણે અમેરિકી વાર્તાકાર જેડી વેન્સને ઈસ્લામાબાદથી ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. આ ગતિરોધ વચ્ચે જ્યારે શેખ તહનુનને કૂટનીતિક જવાબદારી સોંપવામાં આવી, ત્યારે તેમણે સૌથી પહેલા ઈરાનના સર્વોચ્ચ નેતાઓ સાથે સીધો સંપર્ક સાધ્યો. રોયટર્સના અહેવાલ મુજબ, યુએઈએ ઈરાનને તેની જપ્ત કરાયેલી ૩ અબજ ડૉલરની રકમ પરત કરી અને બદલામાં ઈરાને યુએઈ પર હુમલો ન કરવાની ખાતરી આપી.













